નવી દિલ્હીઃ મની લોન્ડરિંગ કેસમાં તિહાર જેલમાં બંધ આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને દિલ્હી સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈનને જામીન મળ્યા નથી. દિલ્હી સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈનને રાઉઝ એવન્યુ કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. ઇડીએ રાઉઝ એવન્યુ કોર્ટમાં દિલ્હી સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈનના જામીનનો વિરોધ કર્યો હતો. કોર્ટે કહ્યું કે સત્યેન્દ્ર જૈનને જામીન આપવાનું કોઈ કારણ નથી.






અગાઉ આ કેસમાં EDએ દિલ્હીમાં અડધો ડઝનથી વધુ સ્થળો પર દરોડા પાડ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર સત્યેન્દ્ર જૈનના કેટલાક સહયોગીઓ પર પણ દરોડા પાડવામાં આવ્યા છે. તાજેતરમાં જ EDએ આ કેસમાં દિલ્હી સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈન અને તેમના સહયોગીઓના સ્થળો પર પણ દરોડા પાડ્યા હતા. ત્યારે કુલ 7 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં પ્રકાશ જ્વેલર પાસે 2.23 કરોડની રોકડ મળી આવી હતી. આ ઉપરાંત વૈભવ જૈન પાસેથી 41.5 લાખ રોકડા 133 સોનાના સિક્કા મળી આવ્યા હતા. આ મામલામાં દરોડા દરમિયાન EDને પ્રુડેન્સ સ્કૂલના ચેરમેન જીએસ મથારુ પાસેથી 20 લાખ રોકડા મળ્યા હતા.


ED PMLA હેઠળ તપાસ કરી રહી છે


ઈડીએ 30 મેના રોજ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની ફોજદારી કલમો હેઠળ જૈનની ધરપકડ કરી હતી. તે હવે ન્યાયિક કસ્ટડીમાં છે. એજન્સી જૈન સામે કથિત હવાલા ડીલ માટે PMLA હેઠળ તપાસ કરી રહી છે. દિલ્હી સરકારમાં મંત્રી જૈન પાસે હાલમાં કોઈ વિભાગ નથી.


એપ્રિલમાં EDએ તપાસના ભાગરૂપે જૈનના પરિવાર અને કંપનીઓની "માલિકી અને નિયંત્રણ હેઠળની" રૂ. 4.81 કરોડની સંપત્તિ જપ્ત કરી હતી. દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે જૈનને "ખૂબ પ્રમાણિક દેશભક્ત" ગણાવતા કહ્યું છે કે તેમને ખોટા કેસમાં ફસાવવામાં આવી રહ્યા છે.