ભોપાલઃ મધ્યપ્રદેશ કોગ્રેસ સેવાદળ તરફથી સ્વતંત્રતા સેનાની વિનાયક દામોદર સાવરકર અને મહાત્મા ગાંધીના હત્યારા નાથૂરામ ગોડસે વચ્ચે શારીરિક સંબંધોને લઇને કરવામાં આવેલા દાવા પર મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે. સાવરકરના પૌત્ર રંજીત સાવરકરે આરોપ લગાવ્યો છે કે તે આ મુદ્દા પર મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને મળવા ગયા હતા પરંતુ તમામ પ્રયત્નો બાદ પણ તેમની મુલાકાત થઇ શકી નહોતી. જ્યારે શિવસેનાના સાંસદ સંજય રાઉત બાદ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ હવે આ મુદ્દા પર કોગ્રેસ અને શિવસેના પર નિશાન સાધ્યું છે.


વીર સાવરકરના પૌત્ર રંજીત સાવરકરે કહ્યું કે, ઉદ્ધવ ઠાકરે પાસે મારી સાથે વાત કરવા માટે એક મિનિટનો પણ સમય નથી જ્યારે આ સાવરકરજીના સન્માન સાથે જોડાયેલો મુદ્દો છે. હું તેનાથી ખૂબ નિરાશ છું. આ સાવરકરજીનું અપમાન છે. આ અગાઉ રંજીત સાવરકરે કહ્યું હતું કે, સાવરકર પર કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણી મામલામાં  કોગ્રેસ સેવા દળ, રાહુલ ગાંધી અને અન્ય લોકો વિરુદ્ધ કેસ દાખલ કરવો જોઇએ.


બીજી તરફ પૂર્વ મુખ્યમંત્રી ફડણવીસે સાવરકર મુદ્દા પર પણ કોગ્રેસ અને શિવસેના પર નિશાન સાધ્યું હતું. ફડણવીસે કહ્યું કે, સાવરકર વિરુદ્ધ કરવામાં આવેલી આ ટિપ્પણીઓને સહન કરવામાં નહી આવે. શિવસેના ક્યાં સુધી એક એવા વ્યક્તિનું અપમાન સહન કરતી રહેશે જેણે દેશ માટે પોતાનું બધુ કુરબાન કરી દીધુ.