નવી દિલ્હીઃ લગભગ એક સપ્તાહ સુધી સીબીઆઇમાં ચાલી રહેલા સંકટ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઇ હતી. આ દરમિયાન કોર્ટે અનેક આદેશ આપ્યા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આરોપ અને પ્રત્યારોપ પર સીવીસી તપાસ કોર્ટની દેખરેખમાં બે સપ્તાહની અંદર પુરી થવી જોઇએ. તપાસની દેખરેખ સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજ એકે પટનાયક કરશે. સાથે કોર્ટે સીબીઆઇના ડિરેક્ટર આલોક વર્મા અને એનજીઓ કોમજ કોજની અરજીઓ પર સીબીઆઇ અને કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી હતી.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, નાગેશ્વર રાવ (સીબીઆઇના વચગાળાના ડિરેક્ટર) કોઇ પણ નીતિગત નિર્ણય લઈ શકતા નથી. રાવ દ્ધારા લેવામાં આવેલા અત્યાર સુધીના તમામ નિર્ણયને સીલબંધ કવરમાં અદાલત સામે રજૂ કરવામાં આવે. સુપ્રીમ કોર્ટ આગામી 12 નવેમ્બરે વધુ સુનાવણી હાથ ધરશે.
નાગેશ્વર રાવે 24 ઓક્ટોબરના રોજ પદ સંભાળ્યા બાદ અનેક અધિકારીઓના ટ્રાન્સફર કર્યા હતા. જેમાં તે અધિકારીઓના નામ હતા જે રાકેશ અસ્થાના વિરુદ્ધ દાખલ કેસની તપાસ કરી રહ્યા હતા. આલોક વર્માને રજા પર ઉતારી દેવાના કેન્દ્ર સરકારના નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. નોંધનીય છે કે 24 ઓક્ટોબરની રાત્રે કેન્દ્ર સરકારે સીબીઆઇના ડિરેક્ટર આલોક વર્મા અને સ્પેશ્યલ ડિરેક્ટર રાકેશ અસ્થાનાને રજા પર મોકલી દીધા હતા. નાણામંત્રી અરુણ જેટલીએ કહ્યું કે, સીબીઆઇના બે ટોચના અધિકારીઓને હટાવવાનો નિર્ણય સીવીસીની ભલામણ પર આધારિત છે. બંન્ને જ અધિકારીઓએ એકબીજા પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે.