નવી દિલ્હી: કોરોનામાં માતા-પિતાને ગુમાવનાર બાળકના ઉછેરની જવાબદારી નાના-નાનીના બદલે દાદા-દાદીને આપવાનો સુપ્રીમ કોર્ટે નિર્ણય કર્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ભારતીય સમાજમાં દાદા-દાદી તેમના પૌત્ર-પૌત્રીઓની વધુ સારી રીતે કાળજી લે છે. નોંધનીય છે કે  2021માં કોવિડની બીજી લહેરમાં  તેના પિતાનું 13 મેના રોજ અને માતાનું 12 જૂનના રોજ અવસાન થયું હતું. માતાના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે નાના-નાની બાળકને અમદાવાદમાં તેના દાદા-દાદીના ઘરેથી દાહોદ લઈ ગયા હતા અને ત્યારથી તેને પરત લાવવામાં આવ્યો નહોતો.






'દાદા દાદી વધુ સારી રીતે કાળજી લે છે'


સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે ભારતીય સમાજમાં દાદા-દાદી હંમેશા તેમના પૌત્ર-પૌત્રીઓની વધુ સારી રીતે કાળજી લે છે. થોડા સમય પહેલા ગુજરાત હાઈકોર્ટે છોકરાની કસ્ટડી તેની માસીને આપી હતી. જસ્ટિસ એમ.આર.શાહની આગેવાની હેઠળની બેન્ચે હાઈકોર્ટના નિર્ણયને રદ કરતા કહ્યુ હતું કે આપણા સમાજમાં દાદા-દાદી હંમેશા તેમના પૌત્ર-પૌત્રીઓની વધુ સારી રીતે સંભાળ રાખશે." તેઓ ભાવનાત્મક રીતે તેમના પૌત્રોની વધુ નજીક છે અને સગીરને દાહોદ કરતાં અમદાવાદમાં વધુ સારું શિક્ષણ મળશે.


માસી બાળકને મળી શકે છે – SC


જો કે, બેન્ચે કહ્યું કે માસીને છોકરાને મળવાનો અધિકાર હોઈ શકે છે અને તે તેની અનુકૂળતા મુજબ બાળકની મુલાકાત લઈ શકે છે. કોર્ટે જણાવ્યું હતું કે છોકરાને દાદા-દાદીને સોંપવાનો ઇનકાર કરવા માટે આવક એકમાત્ર માપદંડ ન હોઈ શકે. હાઈકોર્ટે કહ્યું હતું કે છોકરો તેના દાદા-દાદી સાથે સહજ છે. જો કે, હાઇકોર્ટે બાળકને તેની માસીને એ આધાર પર સોંપ્યો હતો કે તેણી 'અપરિણીત છે અને કેન્દ્ર સરકારમાં નોકરી કરતી અને સંયુક્ત કુટુંબમાં રહેતી હતી.  જે બાળકના ઉછેર માટે સાનુકૂળ રહેશે.


સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના નિર્ણય પર સ્ટે આપ્યો હતો


સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું છે કે માતાના પક્ષ કરતાં દાદા-દાદીનો 6 વર્ષના બાળક પર વધુ અધિકાર છે. બાળકના સ્વાસ્થ્ય અને શિક્ષણ અંગે ચિંતિત દાદા-દાદીએ બાળકની કસ્ટડી માંગી હતી. હાઈકોર્ટે બાળકની 46 વર્ષીય માસીને એ આધાર પર કસ્ટડી આપી હતી કે તે અપરિણીત છે, કેન્દ્ર સરકારમાં નોકરી કરે છે અને સંયુક્ત પરિવારમાં રહે છે. કોર્ટે માન્યુ હતું કે બાળકના ઉછેર માટે યોગ્ય રહેશે. તેનાથી વિપરીત દાદા દાદી બંન્ને વરિષ્ઠ નાગરિક છે અને દાદાના પેન્શન પર નિર્ભર છે. જોકે, સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ એમ.આર.શાહ અને અનિરુદ્ધ બોઝની ખંડપીઠે માસીને બાળકની કસ્ટડી આપવાના હાઈકોર્ટના આદેશ પર રોક લગાવી દીધી હતી.


સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી


છેલ્લી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે દાહોદ કરતાં અમદાવાદમાં શિક્ષણની સુવિધા સારી છે. દાહોદ આદિવાસી વિસ્તાર છે. 46 વર્ષની અપરિણીત માસીના વકીલને કોર્ટે પૂછ્યુ હતું કે  71 અને 63 વર્ષની વયના દાદા-દાદીને તેમના પૌત્રોની કસ્ટડી માટે કેવી રીતે અયોગ્ય ઠેરવી શકાય છે. કોર્ટે કહ્યું, આ દિવસોમાં 71 અને 63 વર્ષની ઉંમર કંઈ નથી. લોકો આના કરતા પણ વધુ ઉંમરમાં મજબૂત રહે છે.