નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન કાયદો એટલે કે CAAને લઇને સુપ્રીમ કોર્ટમાં આજે 144 અરજીઓ પર સુનાવણી હાથ ધરાશે, મોટા ભાગની અરજીઓ CAAના વિરોધને લઇને આવેલી છે. 17 ડિસેમ્બરે થયેલી ગત સુનાવણીમાં કોર્ટે કાયદા પર રોક લગાવવાનો ઇનકાર કર્યો હતો.

કોર્ટે અરજીઓ પર સરકાર પાસે જવાબ માંગતા કહ્યું હતુ કે, જાન્યુઆરીમાં મામલાને વિસ્તારથી સુનાવણી થશે, ત્યારે કોઇ આદેશ આપવામાં આવશે.

આ બધી અરજીઓમાં સંસદમાંથી પાસ થયેલા કાયદાને બંધારણની વિરુદ્ધ બતાવવામાં આવ્યો છે. આમાં કહેવાયુ છે કે, કલમ 14 અંતર્ગત દરેક વ્યક્તિને કાયદાની રીતે સમાનતાનો મૌલિક અધિકાર મળ્યો છે. સિટીઝનશિપ અમેન્ડમેન્ટ એક્ટ આનુ હનન કરી રહ્યો છે.

નાગરિકતા સંશોધન કાનૂનને પડકારતી અને તેના સમર્થનમાં કુલ 144 અરજીઓ પર સુપ્રીમ કોર્ટ આજે સવારે 11 વાગ્યે સુનાવણી કરશે. અરજી પર મુખ્ય ન્યાયાધીશ એસએ બોબડે, જસ્ટિસ અબ્દુલ નઝીર અને સંજીવ ખન્નાની બેન્ચ સુનાવણી કરશે.

નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ કેરળ સરકાર, કૉંગ્રેસ નેતા જયરામ રમેશ, તૃણમૂલ કૉંગ્રેસ સાંસદ મહુઆ મોઈત્રા, AIMIM સાંસદ ઓવૈસી, આરેજી નેતા મનોજ ઝા, ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ સહિત 144 અરજી દાખલ કરવામાં આવી છે. અરજીમાં ધર્મના આધારે શરણાર્થીઓને નાગરિકતા આપનાર કાયદાને બંધારણ વિરુદ્ધ ગણાવ્યો છે.