નવી દિલ્હી: નાગરિકતા સંશોધન કાયદા (CAA)ને લઈને દેશભરમાં હાલ પણ વિરોધ યથાવત છે. એક બાજુ લોકો રસ્તા પર છે તો, બીજી બાજુ પક્ષ-વિપક્ષમાં ભારે તકરાર જોવા મળી રહી છે. તેની વચ્ચે સુપ્રીમ કોર્ટે સીએએને લઈ દાખલ કરવામાં આવેલી અરજી પર આવતીકાલે સુનાવણી કરશે. નાગરિકતા સંશોધન કાનૂનને પડકારતી અને તેના સમર્થનમાં કુલ 144 અરજીઓ પર સુપ્રીમ કોર્ટે કાલે સવારે 11 વાગ્યે સુનાવણી કરશે. અરજી પર મુખ્ય ન્યાયાધીશ એસએ બોબડે, જસ્ટિસ અબ્દુલ નઝીર અને સંજીવ ખન્નાની બેન્ચ સુનાવણી કરશે.

આ પહેલા ગત વર્ષે 18 ડિસેમ્બરે સુનાવણી કરતા કોર્ટે કાયદા પર રોક લગાવવાનો ઇનકાર કરી દીધો હતો. મોટાભાગની અરજીમાં CAAને ગેરબંધારણીય ગણાવતા તેના પર રોક લગાવવાની માંગ કરી છે. જો કે, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ મોકલાવી હતી અને જવાબ માંગ્યો હતો.


નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ કેરળ સરકાર, કૉંગ્રેસ નેતા જયરામ રમેશ, તૃણમૂલ કૉંગ્રેસ સાંસદ મહુઆ મોઈત્રા, AIMIM સાંસદ ઓવૈસી, આરેજી નેતા મનોજ ઝા, ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ સહિત 144 અરજી દાખલ કરવામાં આવી છે. અરજીમાં ધર્મના આધારે શરણાર્થીઓને નાગરિકતા આપનાર કાયદાને બંધારણ વિરુદ્ધ ગણાવ્યો છે.