નવી દિલ્હીઃ દેશવ્યાપી લૉકડાઉનની વચ્ચે શહેરોમાંથી ગામડાઓમાં સ્થળાંતર કરી રહેલા લોકો-મજૂરોની સ્થિતિ અંગે આજે સુપ્રીમ કોર્ટે સુનાવણી હાથ ધરી હતી. કોર્ટે આ મામલામાં સરકાર પાસે જવાબ માંગ્યો છે.

કોર્ટે કહ્યું કે, સરકારે આ મામલે જવાબ દાખલ કરવો પડશે, કેમકે સુપ્રીમ કોર્ટ એ જોવા માંગે છે કે સરકાર આ મામલે શું શું પગલાં ભરી રહી છે.

ઉલ્લેખનીય છે કે દેશભરમાં મજૂરો મોટા પ્રમાણમાં સ્થળાંતર કરીને શહેરોમાંથી ગામડાં તરફ જઇ રહ્યાં છે. આ અંગે છેલ્લા કેટલાક દિવસોથી સમાચાર પણ સામે આવી ચૂક્યા છે.



સુપ્રીમ કોર્ટ હાલ કોરોના ખતરાને જોઇને ખાસ જરૂરી હોય એવા જ મામલે સુનાવણી કરી રહી છે. આ સુનાવણી પણ વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા જ કરવામાં આવી હતી. મજૂરોના સ્થળાંતરને લઇને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ થઇ હતી, જેને સૂચિબદ્ધ રીતે સુનાવણી માટે લાવવામાં આવી હતી. આ મામલે ચીફ જસ્ટીસ એસએ બોબડે અને જસ્ટિસ એલ નાગેશ્વર રાવે સુનાવણી હાથ ધરી હતી, આ બન્નેએ પોતાના ઘરે બનેલી ઓફિસમાંથી જ વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે સુનાવણી કરી હતી.

મામલાના બન્ને અરજીકર્તાઓ અલખ આલોક શ્રીવાસ્તવ અને રશ્મિ બંસલે પણ પોતાના ઘરેથી જ હાજર રહ્યા હતાં.