નવી દિલ્હી: ન્યાયપાલિકા વિરુદ્ધ ટ્વિટ કરવા માટે દોષિત ઠરેલા વકીલ પ્રશાંત ભૂષણ વિરુદ્ધ કોર્ટના અનાદર કેસમાં સુપ્રીમ કોર્ટે આજે પોતાનો ચુકાદો આપ્યો. કોર્ટે પ્રશાંત ભૂષણને એક રૂપિયાનો દંડ ફટકાર્યો છે. અને જો તેઓ દંડ ન ભરે તો 3 મહિનાની જેલની સજા થશે તથા 3 વર્ષ સુધી વકીલાતની પ્રેક્ટિસ કરી શકશે નહીં.


25 ઓગસ્ટના રોજ સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, માફી માગવામાં ખોટું શું છે. પ્રશાંત ભૂષણ સુપ્રીમ કોર્ટની માફી નહીં માગવાની વાત પર અડગ રહ્યા હતા. સુનાવણી દરમિયાન એટર્ની જનરલ કે. કે. વેણુગોપાલે કોર્ટને અપીલ કરી હતી કે પ્રશાંત ભૂષણને ચેતવણી આપીને છોડી દેવામાં આવે. ત્યાંજ પ્રશાંત ભૂષણના વકીલ રાજીવ ધવને જણાવ્યું હતું કે, તેમણે કોઈ મર્ડર કે ચોરી કરી નથી તેથી તેમને શહીદ બનાવવામાં આવે નહીં.

પેનલે પ્રશાંત ભૂષણની તેમના ટ્વિટ બદલ માફી માંગવાનો ઈન્કાર કરવાની વાતનો ઉલ્લેખ કરતા કહ્યું કે માફી માંગવામાં શું ખોટું છે? શું આ શબ્દો એટલા બધા ખરાબ છે? સુનાવણી દરમિયાન પેનલે ભૂષણને ટ્વિટ અંગે ખેદ વ્યક્ત ન કરવા બદલના પોતાના વલણ પર વિચાર કરવા માટે 30 મિનિટનો સમય પણ આપ્યો હતો.

સુપ્રીમ કોર્ટે 14 ઓગસ્ટના રોજ પ્રશાંત ભૂષણને ન્યાયપાલિકા વિરુદ્ધ અપમાનજનક ટ્વિટ બદલ કોર્ટના અનાદર મુદ્દે દોષિત ઠેરવ્યા હતાં. આ કેસમાં 6 મહિનાનો સાધારણ કારાવાસ કે 2000 રૂપિયા સુધીનો દંડ કે પછી બંને થઈ શકે તેવી કાયદાની જોગવાઈ છે.