Supreme Court on Mamata Banerjee: કોલસા કૌભાંડને લઈને બંગાળમાં રાજકીય માહોલ ગરમાયો છે. આ દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. ચૂંટણી રણનીતિકાર કંપની I PAC અને તેના સહ સ્થાપક પ્રતીક જૈન પર પડેલા EDના દરોડામાં કથિત રીતે દખલગીરી કરવા બદલ સુપ્રીમ કોર્ટે મમતા બેનર્જીનો ઉધડો લીધો છે. કોર્ટે તેમની આ દખલગીરીને સીધી 'લોકશાહી માટે ખતરો' ગણાવી છે. બુધવારે (22 એપ્રિલ, 2026) ED ની અરજી પર સુનાવણી કરતા કોર્ટે બંગાળ સરકારના વકીલની પણ આકરી ઝાટકણી કાઢી હતી અને સ્પષ્ટ કહ્યું હતું કે આ કોઈ કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચેનો વિવાદ નથી, પણ એજન્સીના કામમાં અડચણ ઊભી કરવાનો મામલો છે.

આ કેન્દ્ર રાજ્યનો વિવાદ નથી: જસ્ટિસ મિશ્રા

Continues below advertisement
Continues below advertisement

લાઈવ લોના રિપોર્ટ મુજબ, સુપ્રીમ કોર્ટના જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રા અને જસ્ટિસ એનવી અંજારિયાની બેન્ચ ED ની અરજી પર સુનાવણી કરી રહી હતી. તે સમયે બંગાળ સરકાર તરફથી હાજર થયેલા વરિષ્ઠ વકીલ મેનકા ગુરુસ્વામીએ દલીલ કરી કે આ કેસ મૂળભૂત અધિકારોનું રક્ષણ કરતી બંધારણની કલમ 32 હેઠળ દાખલ ન થવો જોઈએ. કારણ કે ED કોઈ વ્યક્તિ નથી અને તેથી તે મૂળભૂત અધિકારોનો દાવો ન કરી શકે. તેમણે આ મામલાને માત્ર કેન્દ્ર અને રાજ્ય વચ્ચેનો રાજકીય વિવાદ ગણાવ્યો.

આ દલીલથી નારાજ થઈને જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રાએ વકીલને આડા હાથે લેતા કહ્યું, "આ કોઈ કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચેનો વિવાદ નથી. રાજ્યના ખુદ મુખ્યમંત્રી દરોડાના સ્થળે જઈને તપાસમાં દખલ કરે છે, અને તમે કહો છો કે આ રાજ્ય અને કેન્દ્ર સરકારો વચ્ચેનો વિવાદ છે? તમે આવી રીતે એજન્સીની તપાસમાં દખલ ન કરી શકો."

લોકશાહીને જોખમમાં મૂકી રહ્યા છો

જસ્ટિસે વધુ આકરા શબ્દોમાં કહ્યું, "એક મંત્રી (મુખ્યમંત્રી) દરોડા દરમિયાન દખલ કરીને આખી વ્યવસ્થા અને લોકશાહીને જોખમમાં મૂકે છે. અને તમે અમને સીર્વાઈ અને કેશવાનંદ (બંધારણના નિષ્ણાતો) ની યાદ અપાવી રહ્યા છો? તેમણે ક્યારેય સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે એક દિવસ એવો આવશે જ્યારે રાજ્યના મુખ્યમંત્રી આ રીતે ખુલ્લેઆમ કોઈ એજન્સીના કામમાં દખલ કરશે." આ દરમિયાન ED તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને એવી પણ જાણ કરી કે દરોડા વખતે મુખ્યમંત્રી મમતા બેનર્જી તપાસના અમુક મહત્વના દસ્તાવેજો પણ પોતાની સાથે લઈ ગયા હતા.

વકીલની મોટી બેન્ચની માંગ કોર્ટે ફગાવી

બંગાળ સરકારના વકીલ મેનકા ગુરુસ્વામીએ એવી પણ માંગ કરી હતી કે આ કેસમાં કાયદાકીય પ્રશ્નો હોવાથી તેને 5 જજની મોટી બેન્ચ (કલમ 145 હેઠળ) ને મોકલવો જોઈએ. જેના જવાબમાં જસ્ટિસ મિશ્રાએ સ્પષ્ટ ના પાડતા કહ્યું, "દરેક અરજીમાં કાયદાના પ્રશ્નો તો હોય જ છે. જો તમારી આ દલીલ માની લઈએ, તો અમારે દરેક અરજી મોટી બેન્ચને જ મોકલવી પડે." વકીલે એમ પણ કહ્યું હતું કે આ જ મામલે ED ની એક અરજી કોલકાતા હાઈકોર્ટમાં પણ પેન્ડિંગ છે.

સમગ્ર વિવાદ શું છે?

તમને જણાવી દઈએ કે, બંગાળના ચર્ચિત કોલસા દાણચોરી (મની લોન્ડરિંગ) કેસમાં 8 જાન્યુઆરીના રોજ ED એ I PAC ની ઓફિસ અને તેના કો ફાઉન્ડર પ્રતીક જૈનના ઘરે દરોડા પાડ્યા હતા. ED નો આરોપ છે કે આ કાર્યવાહી દરમિયાન મમતા બેનર્જી તેમના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે ત્યાં પહોંચી ગયા હતા અને તપાસમાં મોટો વિક્ષેપ ઊભો કર્યો હતો. આ ઘટના પછી ED એ મમતા બેનર્જી અને તેમને સાથ આપનાર પોલીસ અધિકારીઓ સામે CBI તપાસની માંગ કરી છે. આ ઉપરાંત, બંગાળ પોલીસ દ્વારા ED ના અધિકારીઓ સામે નોંધવામાં આવેલી FIR રદ કરવા માટે પણ ED એ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે.