નવી દિલ્લીઃ સુપ્રીમ કોર્ટે બે વર્ષથી વધુની સજા પામનારા સાંસદો અને ધારાસભ્યોનું સભ્યપદ તત્કાળ રદ ન થવા પર ચૂંટણી પંચ પાસેથી જવાબ માંગ્યો છે. કોર્ટે આયોગને જવાબ આપવા માટે ચાર સપ્તાહનો સમય આપ્યો છે.

અરજીકર્તા એનજીઓ  લોક પ્રહરીએ કહ્યુ હતું કે, 2013માં સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં એવા જનપ્રતિનિધિઓને તત્કાળ અયોગ્ય ઠેરવવાનો આદેશ આપ્યો હતો પરંતુ ચૂંટણી પંચ વિધાનસભા સચિવાલય તરફથી રિપોર્ટ મળ્યા બાદ કાર્યવાહી કરે છે. જ્યારે વિધાનસભા સચિવાલય તરફથી રિપોર્ટ મોડેથી મોકલવામાં આવે છે. નોંધનીય છે કે 2013માં સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે, જો કોઇ જનપ્રતિનિધિને 2 વર્ષ કે તેથી વધુની સજા મળે તો તેનું સભ્યપદ રદ થઇ જવું જોઇએ. અરજીમાં ઉત્તરપ્રદેશના પૂર્વ મંત્રી કૈલાશ ચૌરસિયાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.