સુપ્રીમનો આદેશ: દેશભરના તમામ થિયેટરમાં ફિલ્મ પહેલા રાષ્ટ્રગીત વગાડો, દર્શકો સન્માનમાં ઉભા થાય
abpasmita.in | 30 Nov 2016 12:20 PM (IST)
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે દેશના તમામ થિયેટરમાં ફિલ્મ પહેલા રાષ્ટ્રગીત વગાડવાનો આદેશ આપ્યો છે. ઉપરાંત સ્ક્રીન પર રાષ્ટ્રધ્વજ પર દર્શાવો પડશે. સાથે જ લોકોએ રાષ્ટ્રગીતના સન્માનમાં ઉભા પણ થવું પડશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, રાષ્ટ્રગીત રાષ્ટ્રની ઓળખષ રાષ્ટ્રીય એકતા અને બંધારણીય દેશભક્તિ સાથે જોડાયેલ છે. સુપ્રીમ કોર્ટે એ પણ કહ્યું કે, રાષ્ટ્રગીત સમયે થિયેટરમાં પરદા પર રાષ્ટ્રધ્વજ પણ ફરજિયાત બતાવવો પડશે, અને ધ્યાન રાખવામાં આવે કે, કોઈપણ વ્યાવસાયિક હિતમાં રાષ્ટ્રગીતનો ઉપયોગ ન કરી શકાય. ઉપરાંત કોઈપણ ગતિવિધિમાં ડ્રાડા ક્રિએટ કરવા માટે પણ રાષ્ટ્રીય ગીતનો ઉપયોગ કરવામાં નહીં આવે તથા રાષ્ટ્રગીત વેરાયટી સોંગ તરીકે પણ ગાવામાં નહીં આવે. ઉલ્લેખનીય છે કે, શ્યામ નારાયણ ચૌકસેની અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, કોઈપણ વ્યાવસાયિક ગતિવિધિ માટે રાષ્ટ્રગીતના ચલણ પર પ્રતિબંધ લગાવવો જોઈએ અને એન્ટરટેનમેન્ટ શોમાં ડ્રામા ક્રિએટ કરવા માટે રાષ્ટ્રગીતનો ઉપયોગ કરવો ન જોઈએ. અરજીમાં એ પણ કહેવામાં આવ્યું હતું કે, એક વખત શરૂ થવા પર રાષ્ટ્રગીતને અંત સુધી ગાવું જોઈએ અને વચ્ચે બંધ કરવું ન જોઈએ. અરજીમાં કોર્ટને એ આદેશ આપવા આગ્રહ કરવામાં આવ્યો હતો કે રાષ્ટ્રગીતને એવા લોકોની વચ્ચે ગાવામાં ન આવે જે તેને નથી સમજતા. ઉપરાંત રાષ્ટ્ર્ગીતનું સંગીત બદલીને કોઈ અન્યરીતે ગાવાની મંજૂરી પણ ન મળવી જોઈએ. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, આ પ્રકારના કેસ રાષ્ટ્રગીતના નિયમોનું ઉલ્લંઘન છે અને તે વર્ષ 1971ના કાયદાની વિરૂદ્ધ છે. આ પહેલા, સુપ્રીમ કોર્ટે આ અરજી પર સુનાવણી કરતાં ઓક્ટોબરમાં કેન્દ્ર સરકારને નોટિસ આપી જવાબ માંગ્યો હતો.