નવી દિલ્હી: દેશનું સત્તાવાર નામ માત્ર ‘ભારત’ રાખવાની માગં કરતી અરજી પર સુપ્રીમ કોર્ટે સુનાવણી કરવાનો ઈનકાર કરી દીધો છે. કોર્ટે અરજીકર્તાને જણાવ્યું કે, તે સરકાર પાસે પોતાની રજૂઆત કરે, આ પ્રકારના નીતિગત નિર્ણયો લેવાનું કોર્ટનું કામ નથી.

નમ: નામના અરજીકર્તાએ સુપ્રીમ કોર્ટમાં માંગ કરી હતી કે, દેશનું આધિકારિક નામ ભારત કરી દેવું જોઈએ જેથી લોકોમાં રાષ્ટ્રીય સ્વાભિમાનની ભાવનાનો સંચાર થશે. અંગ્રેજો દ્વારા રાખવામાં આવેલા ‘ઈન્ડિયા’નામનો ઉપયોગ હવે બંધ કરવો જોઈએ.

અરજીકર્તાએ અરજીમાં દેશનું સંવિધાન બનાવનારી બંધારણસભામાં થયેલી ચર્ચાનો પણ હવાલો આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, સંવિધાન સભાના કેટલાક સભ્યો દેશનું નામ ભારત રાખવાના પક્ષમાં હતા. તેમનું કહેવું હતું કે, લાંબા સંઘર્ષ બાદ મળેલી આઝાદી બાદ અંગ્રેજોએ રાખેલા નામમાંથી મુક્તિ મેળવી લેવી જોઈએ. આ એક પ્રકારનું ગુલામીનું પ્રતિક છે. તે સભ્યોએ ભારત સિવાય વૈકલ્પિક નામ તરીકે ભારતભૂમિ, ભારતવર્ષ, હિન્દ, હિન્દુસ્તાન જેવા નામ પણ સૂચવ્યા હતા, પરંતુ આ વાત પર સહમતિ થઈ નહોતી. સંવિધાનમાં ભારતનો પરિચય ‘ઈન્ડિયા, ધેટ ઈઝ ભારત એટલે ‘ઈન્ડિયા, જે ભારત પણ છે’ લખવામાં આવ્યું.

અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, હવે સમય આવી ગયો છે કે, દેશનું નામ ઈન્ડિયા ધેટ ઈઝ ભારત નહીં, પરંતુ ફક્ત ભારત કરવામાં આવે. તેમણે હાલમાં શહેરના નામ ભારતીય પરંપરા અને સંસ્કૃતિના નામ પ્રમાણે બદલવાનો હવાલો પણ આપ્યો હતો. કહ્યું કે હવે દેશનું નામ પણ સત્તાવાર રીતે બદલી દેવું જોઈએ.
અરજીકર્તાના વકીલે આ મામલાને મહત્વપૂર્ણ ગણાવતા કહ્યું કે, બંધારણના અનુચ્છેદ 1(1)માં લખવામાં આવેલા નામને બદલવું રાષ્ટ્રીય સ્વાભિમાન પ્રમાણે જરૂરી છે. કોર્ટે આ અંગે વિચાર કરવો જોઈએ. ચીફ જસ્ટિસે તેમને રોકતા કહ્યું કે, “આપ કહી રહ્યાં છે કે, દેશનું સત્તાવાર નામ ભારત કરવામાં આવે, પરંતુ પહેલેથી જ ભારત નામ બંધારણમાંતી લખ્યું છે.”

અરજીકર્તાના વકીલે કહ્યું, “ઈન્ડિયા નામ ગ્રીક શબ્દ ઈન્ડિકા પરથી છે. વિદેશી ભાષામાંથી ઉતરી આવેલા નામનો સત્તાવાર ઉપયોગ કરવાનું બંધ કરી દેવું જોઈએ.” ચીફ જસ્ટિસે કહ્યું, આ પ્રકારના મામલામાં નિર્ણય સરકાર અને સંસદ કરે છે. આપ સરકારને આવેદન આપો, સરકાર જે પણ યોગ્ય નિર્ણય હશે તે લેશે. સુપ્રિમ કોર્ટે આ મામલે વધુ સુનાવણી કરવાનો ઈનકાર કરી દીધો છે અને આ મામલાને સરકારના હવેલા કર્યો છે.