સુપ્રીમ કોર્ટે વર્ષ 2000માં લાલ કિલ્લા પર થયેલા હુમલાના દોષિત મોહમ્મદ આરિફ ઉર્ફે અશફાકની ફાંસીની સજાને યથાવત રાખી છે. કોર્ટે મોહમ્મદ આરિફની રિવ્યૂ પિટિશન ફગાવી દીધી હતી.






આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૌયબાએ 22 ડિસેમ્બર 2000ના રોજ લાલ કિલ્લા પર આતંકી હુમલો કર્યો હતો. આ હુમલામાં બે જવાનો સહિત ત્રણ લોકો માર્યા ગયા હતા. ભારતીય સેનાની જવાબી કાર્યવાહીમાં લાલ કિલ્લામાં ઘૂસણખોરી કરનારા બે આતંકીઓને પણ ઠાર કરવામાં આવ્યા હતા. 31 ઓક્ટોબર 2005ના રોજ લાલ કિલ્લા હુમલાના કેસમાં આરિફને નીચલી અદાલતે મોતની સજા ફટકારી હતી.


2013માં સુપ્રીમ કોર્ટે ફાંસીની સજા યથાવત રાખી હતી


નોંધનીય છે કે 2013માં સુપ્રીમ કોર્ટે આરિફની ફાંસીની સજાને યથાવત રાખતી રિવ્યૂ પિટિશનને ફગાવી દીધી હતી. આ પછી 2014માં સુપ્રીમ કોર્ટે આરિફની ક્યુરેટિવ પિટિશન પણ ફગાવી દીધી હતી. જે બાદ હવે ફરી એકવાર સુપ્રીમ કોર્ટે દોષિતોની સજાને લઈને દાખલ કરવામાં આવેલી રિવ્યૂ પિટિશનને પણ ફગાવી દીધી છે.


વર્ષ 2015માં સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક નિર્ણય આપ્યો હતો


2015માં સુપ્રીમ કોર્ટે યાકુબ મેમણ અને આરિફની અરજી પર ઐતિહાસિક નિર્ણય આપ્યો હતો કે ફાંસીની સજા પામેલા દોષિતોની રિવ્યૂ પિટિશનની સુનાવણી ઓપન કોર્ટમાં થવી જોઈએ. અગાઉ, ન્યાયાધીશ તેમની ચેમ્બરમાં રિવ્યૂ પિટિશનની સુનાવણી કરતા હતા. નિષ્ણાતોના મતે, આ પહેલો કેસ હતો જેમાં સુપ્રીમ કોર્ટે ફાંસીની સજા પામેલા દોષીતની રિવ્યૂ પિટિશન અને ક્યુરેટિવ પિટિશન ફગાવી દીધા પછી ફરીથી સમીક્ષા અરજી પર સુનાવણી કરી હતી.