MP School Reopening: દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે, આ દરમિયાન ઘણા રાજ્યોમાં આવતીકાલથી શૈક્ષણિક કાર્ય શરૂ થઈ રહ્યું છે. ગુજરાતને અડીને આવેલા મધ્યપ્રદેશમાં પણ આવતીકાલથી તમામ સ્કૂલે શરૂ થશે તેમ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જાહેરાત કરી છે.
ન્યૂઝ એજન્સી એએનઆઈના ટ્વીટ પ્રમાણે, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું રાજ્ય સરકારે 1 ફેબ્રુઆરીથી ધો. 1 થી 12 સુધીના વર્ગો 50 ટકા ક્ષમતા સાથે શરૂ કરવામાં આવશે.
મધ્યપ્રદેશમાં રવિવારે કોરોના વાયરસના ચેપના 9,305 નવા દર્દીઓની પુષ્ટિ થયા પછી, કુલ કેસ વધીને 9,59,439 થઈ ગયા છે. આરોગ્ય વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં રોગચાળાને કારણે નવ લોકોના મોત થયા છે. આ સહિત, રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 10,616 લોકોએ ચેપને કારણે જીવ ગુમાવ્યો છે.
તેમણે કહ્યું કે, રવિવારે ઈન્દોરમાં કોરોના વાયરસના ચેપના 1,936 અને ભોપાલમાં 1,784 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં આ બંને જિલ્લાઓ આ ચેપી રોગથી સૌથી વધુ પ્રભાવિત છે. તેમણે કહ્યું કે રાજ્યમાં હાલમાં 63,297 દર્દીઓ સારવાર હેઠળ છે અને છેલ્લા 24 કલાકમાં 12,041 લોકો ચેપમાંથી સ્વસ્થ થયા છે. અત્યાર સુધીમાં 8,88,526 લોકોએ ચેપને માત આપી છે. અધિકારીએ જણાવ્યું કે રાજ્યમાં રવિવારે 38,083 લોકોને એન્ટી-કોવિડ-19 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા અને અત્યાર સુધીમાં કુલ 10,93,13,308 ડોઝ આપવામાં આવ્યા છે.
ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ
- કુલ એક્ટિવ કેસઃ 18,31,268
- ડિસ્ચાર્જઃ 3,89,76,122
- મૃત્યુઆંકઃ 4,95,050
- કુલ રસીકરણઃ 166,03,96,227