નવી દિલ્હી: નવો મોટર વ્હીકલ એક્ટ લાગુ થયા બાદ ટ્રાફિકના નિયમો તોડવા બદલ ભારે ભરખમ ચાલાન આપવામાં આવી રહ્યાં છે. ત્યારે ઓડિશામાં એક સ્કૂટીને તેની કિંમત કરતા વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે. ઓડિસાના ભૂવનેશ્વરમાં એક શો રૂમમાંથી આવેલી નંબર વગરની સ્કૂટી પર પોલીસે એક લાખનનું ચાલાન ફાડી આપ્યું હતું.


12મી સપ્ટેમ્બરે કટકમાં એક ચેક પોસ્ટ પર માર્ગ પરિહન અધિકારીઓ દ્વારા એક સ્કૂટી ચલાવી રહેલા અરૂણ પાંડા નામના વ્યક્તિને રોકવામાં આવ્યો હતો. તેના બાદ સ્કૂટર પર રજિસ્ટ્રેશન નંબર ન હોવાના કારણે આરટીઓએ એક લાખનો દંડ ફટકાર્યો હતો.

જો કે એક લાખ રૂપિયાનો દંડ ડીલર પર લગાવાયો હતો. હોન્ડા એક્ટિવા ભુવનેશ્વરથી 28 ઓગસ્ટે કવિતા પાંડા નામે ખરીદવામાં આવી હતી. કવિતાએ આરોપ લગાવ્યો હતો કે શો રૂમમાંથી રજિસ્ટ્રેશ નંબર નથી આપ્યો.

અધિકારીઓએ ચાલાન મોટર વ્હીકલ એક્ટના ઉલ્લંઘન કરવા બદલ આપ્યું હતુ. પોલીસ અધિકારીઓએ ડીલરનું ટ્રેડ લાયસન્સ રદ કરવા પણ કહ્યું કે તેણે ડૉક્યૂમેન્ટ વગર સ્કૂટર કઈ રીતે ડિલિવર કરી દીધું.

જૂના મોટર વ્હીકલ એક્ટ પ્રમાણે અને નવા એક્ટ પ્રમાણે ડીલર દ્વારા કોઈ પણ વાહન આપતા પહેલા રજીસ્ટ્રેશન,વીમો અને પ્રદુષણ પ્રમાણ પત્ર આપવું ફરજીયાત છે.