આ યાદીમાં તમિલનાડુના સૌથી વધુ 22 જિલ્લા છે પણ ટકાવારીની રીતે દિલ્લી ટોચ પર છે. આખું દિલ્લી રાજ્ય હોટ સ્પોટ એટલે કે રેડ ઝોનમાં છે. દિલ્લીના શહેરી વિસ્તાર ઉપરાંત તેના તમામ નવ જિલ્લા હોટ સ્પોટ જાહેર કરાયા છે. દિલ્લીના દક્ષિણ દિલ્લી, શહાદરા, દક્ષિણ પૂર્વ, ઉત્તર, મધ્ય, પૂર્વી અને નવી દિલ્લી જિલ્લા એમ તમામ રેડ ઝોનમાં છે. તેના કારણે દિલ્લીમાં લાંબા સમય સુધી કોઈ છૂટછાટ મળવાની શક્યતા નથી. દિલ્લીમાં છેલ્લા 24 કલાકમાં 17 નવા કેસ સામે આવ્યા છે. દક્ષિણ દિલ્લીમાં એક પિઝ્ઝા ડિલેવરી બોય પોઝિટિવ મળ્યો. ત્યા રબાદ તેના સંપર્કમાં આવેલા 72 પરિવારોને કવોરન્ટીન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેની સાથે કામ કરનાર 16 કર્મચારીઓને પણ આઇસોલેટ કરવામાં આવ્યા છે.
આ યાદીમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન અને આંધ્ર પ્રદેશ 11-11 જિલ્લા સાથે બીજા નંબરે છે. મધ્યપ્રદેશ અને ગુજરાતના 6-6 જિલ્લા પણ હોટસ્પોટની યાદીમાં છે. સ્વાસ્થ્ય મંત્રાલયે બહાર પાડેલી યાદી અનુસાર, હોટસ્પોટ અથવા રેડ ઝોનમાં એવા જિલ્લા અથવા શહેર છે, જ્યાં દેશ અથવા રાજ્યના 80 ટકાથી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જે વિસ્તારોમાં સંક્રમણ વધારે છે અને 4 દિવસથી ઓછા સમયમાં કેસ બમણા થાય છે. તેમને પણ હોટ સ્પોટ ગણવામાં આવશે. ગ્રીન ઝોનમાં એ વિસ્તારો છે કે જ્યાં 28 દિવસથી સંક્રમણનો કોઈપણ કેસ નોંધાયો નથી.