નવી દિલ્હીઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે કોરોનાવાયરસ સામે લડવા માટેની વ્યૂહરચનાના ભાગરૂપે દેશભરના તમામ જિલ્લાને હોટ સ્પોટ જિલ્લા, નોન હોટ સ્પોટ જિલ્લા અને ગ્રીન ઝોનમાં વહેંચી નાંખ્યા છે. જે જિલ્લામાં બહુ મોટી સંખ્યામાં કોરોનાવાયરસના ચેપના કેસ નોંધાયા છે તેમને હોટ સ્પોટ જિલ્લા જાહેર કરાયા છે. દેશભરમાં આવા હોટ સ્પોટ જિલ્લાની સંખ્યા 170 છે. જે જિલ્લામાં કોરોનાવાયરસના કેસોની સંખ્યા પ્રમાણમાં ઓચી છે તેમને નોન હોટ સ્પોટ જિલ્લા જાહેર કરાયા છે. દેશમા નોન હોટ સ્પોટ જિલ્લાની સંખ્યા 207 છે. જે જિલ્લાઓમાં કોરોના વાયરસના કેસ લાંબા સમયથી નોંધાયા નથી તેમને ગ્રીન ઝોન જાહેર કરાયા છે. દેશમાં આવા જિલ્લાની સંખ્યા 353 છે.
મોદી સરકાર દ્વારા દેશના તમામ મેટ્રો શહેરોને હોટ સ્પોટ જાહેર કરાયાં છે. અમદાવાદ ઉપરાંત દિલ્હી, મુંબઈ, પૂણે, બેંગલુરુ, હૈદરાબાદ ઈન્દોર, ચંદીગઢ, શ્રીનગર, નાગપુરનો આ હોટ સ્પોટ સિટીઝમાં સમાવેશ થાય છે.
ગુજરાતના છ જિલ્લાને હોટ સ્પોટ જિલ્લા જાહેર કરાયા છે. અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર, રાજકોટ અને પાટણ એ છ જિલ્લા હોટ સ્પોટ જાહેર કરાયા છે. આ જિલ્લાઓમાં લાંબા સમય સુધી કોઈ છૂટછાટ નહીં અપાય એ સ્પષ્ટ છે. બીજા જિલ્લાઓમાં છૂટછાટો મળશે ત્યારે આ જિલ્લાઓમાં કોરોનાના વધાર કેસોને કારણે કોઈ છૂટછાટ નહીં મળે એ મોટો ગેરફાયદો છે.