જામનગર: ફ્રાન્સથી આજે (બુધવારે) ત્રણ રાફેલ ફાઈટર વિમાનનો બીજો જથ્થો ભારત આવી પહોંચ્યો છે. વાયુસેના અનુસાર, ફ્રાન્સથી ઉડાન ભર્યા બાદ વિમાન નૉનસ્ટૉપ જામનગર એરબેઝ પર લગભગ સાડા આઠ કલાકમાં લેન્ડ થયા હતા. 7364 કિ.મી.ની સફર પૂર્ણ કરી રાફેલ રાત્રે 8.14 કલાકે જામનગર આવી પહોંચ્યા હતા. આ દરમિયાન હવામાં જ રાફેલમાં ત્રણ વખત ઈંધણ ભરવામાં આવ્યું હતું.


ઉલ્લેખનીય છે કે, આ પહેલા 28 જુલાઈના રોજ પાંચ રાફેલ ભારત પહોંચ્યા હતા અને 10 સપ્ટેમ્બરે અંબાલામાં સત્તાવાર રીતે રાફેલ વિમાનોને ભારતીય વાયુ સેનામાં સામેલ કરવામાં આવ્યા હતા. ભારત-ચીન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે આ વિમાનોને લદ્દાખમાં પણ તૈનાત કરવામાં આવ્યા હતા.

ભારતે ફ્રાન્સ સાથે કુલ 36 રાફેલ ફાઈટર વિમાનની ડીલ કરી છે. તેના બાદ જાન્યુઆરી અને બાદમાં માર્ચમાં 3, એપ્રિલમાં 7 રાફેલ ફાઈટર વિમાન ભારતને મળી જશે. 2 વર્ષમાં ફાંસ તમામ 36 ફાઇટર જેટ ડિલિવર કરશે. આ રીતે આવતા વર્ષે એપ્રિલ સુધી દેશમાં વિમાનોની સંખ્યા 21 થઈ જશે. તેમાં 18 ફાઈટર વિમાન ગોલ્ડન એરો સ્વોડ્રનમાં સામેલ થઈ જશે.