મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં સિનેમાં હોલ અને થિયેટર ખોલવાની મંજૂરી આપી દીધી છે. રાજ્ય સરકારે કહ્યું કે, મહારાષ્ટ્રમાં કન્ટેઈનમેન્ટ ઝોનની બહાર સ્થિત સ્વીમિંગ પૂલ, યોગ સંસ્થા, સિનેમા હોલ, મલ્ટીપ્લેક્સ, ડ્રામા થિયેટર 5 નવેમ્બરથી ફરી ખુલશે. સાથે કહેવામાં આવ્યું કે, તેના માટે કોવિડ-19 પ્રોટોકોલનું પાલન કરવું ફરજીયાત રહેશે. સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક વગેરેનું સખ્ત રીતે પાલન કરવું પડશે. ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીના કારણે છેલ્લા 7 મહિનાથી સિનેમાં હોલ, મલ્ટીપ્લેક્સ બંધ હતા.

સરકારની ગાઈડલાઈન્સ અનુસાર, સિનેમાં હોલમાં 50 ટકાથી વધારે બેઠક વ્યવસ્થા નહીં રાખી શકાય. આ સિવાય સ્વીમિંગ પૂલ, યોગ સંસ્થા, ડ્રામા થિયેટર 50 ટકાની ક્ષમતા સાથે ખોલી શકાશે.



ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 16,92,693 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે. તેમાંથી 44,248 લોકોના મોત થઈ ચૂક્યા છે. જ્યારે 15,31,277 લોકો સ્વસ્થ થઈ ગયા છે અને 1,16,543 લોકોની સારવાર ચાલી રહી છે.