નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે ગુરુવારે દેશવાસીઓને જાગરૂક કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 22 માર્ચના રોજ જનતા કર્ફ્યૂની અપીલ કરી છે. વડાપ્રધાન મોદીએ લોકોને અપીલ કરતા કહ્યું કે, રવિવારના દિવસે લોકો પોતાના ઘરની બહાર ના નીકળે. જેને ધ્યાનમાં રાખીને અનેક રાજ્યોની સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે. હરિયાણાની ખટ્ટર સરકારે આ દિવસે આખા રાજ્યમાં કલમ-144 લાગુ કરવાનો નિર્ણય કર્યો છે.


આ દિવસે હરિયાણામાં કોઇ પણ સરકારી બસો દોડશે નહીં. રાજ્યના પરિવહન મંત્રીએ જાહેરાત કરતા કહ્યું કે, 22 માર્ચના રોજ જનતા કર્ફ્યૂ દરમિયાન હરિયાણા રોડવેજની બસો દોડશે નહીં. વડાપ્રધાન મોદીએ ગુરુવારે રાષ્ટ્રના નામ પર કરેલા પોતાના સંબોધનમાં દેશવાસીઓને કોરોના વાયરસ વિરુદ્ધ જાગરૂક રહેવાની અપીલ કરી હતી. તેમણે કહ્યુ કે, જો જરૂરી હોય તો જ ઘરની બહાર નીકળો. બાળકો અને વૃદ્ધોને વધુ કાળજી રાખવાની અપીલ કરી છે.

ભારતમાં કોરોના વાયરસનો પ્રકોપ સતત વધી રહ્યો છે. કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 225 થઈ ગઈ છે.  જેમાં વિદેશી મૂળ 32 નાગરિક છે.  જ્યારે અત્યાર સુધી 6700 લોકોની દેખરેખ કરવામાં આવી રહી છે. દેશમાં અત્યાર સુધી ચાર લોકોના મોત થઈ ચૂક્યા છે.