નવી દિલ્હીઃ ભારતમાં કોરોના મહામારીએ અજગરી ભરડો લીધો છે. હાલ દેશમાં રસીકરણ પણ વેગીલું કરવામાં આવ્યું છે. દેશમાં ગઈકાલથી 18 વર્ષથી મોટી ઉંમરના લોકોને પણ રસી આપવામાં આવી છે. આવા સમયે, દેશ માટે રસી તૈયાર કરનારી સૌથી અગ્રણી કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાનાં સીઈઓ અદાર પુનાવાલા લાંબા સમયથી લંડન ચાલ્યા ગયાનાં સમાચાર છે.
રિપોર્ટસ અનુસાર, શનિવારે તેમણે આની પાછળ દબાણનું કારણ ભારતમાં રસીની વધતી માંગને જવાબદાર ગણાવ્યું છે. તેમણે કહ્યું છે કે કોવિડ -19 રસી ઉત્પન્ન કરવા માટે તેના પર ઘણું દબાણ લાવવામાં આવી રહ્યું છે. આ અઠવાડિયાની શરૂઆતમાં અદાર પૂનાવાલાએ કહ્યું હતું કે ભારતના કેટલાક સૌથી શક્તિશાળી લોકો દ્વારા તેમને સતત ધમકી આપવામાં આવી રહી છે. તે પછી ટૂંક સમયમાં, તેમને ભારત સરકાર દ્વારા 'વાય' કેટેગરીની સુરક્ષા પૂરી પાડવામાં આવી હતી.
પૂનાવાલાએ ધ ટાઇમ્સને આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે તેમને ભારતના કેટલાક શક્તિશાળી લોકો તરફથી ધમકીભર્યા ફોન આવી રહ્યા છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દેશમાં કોરોના રસી કોવિશિલ્ડનું ઉત્પાદન કરી રહી છે. અદાર પૂનાવાલાએ કહ્યું કે, "હું હાલ લંડન રહી રહ્યો છું કારણ કે હાલ હું તે પરિસ્થિતીમાં પાછો જવા માગતો નથી. બધી જવાબદારીઓ મારા ખભા પર નાખી દેવામાં આવી છે, પણ હું એકલો કાંઇ કરી શકું તેમ નથી. હું આવી સ્થિતિમાં રહેવા માંગતો નથી કે જ્યાં તમે ફક્ત તમારું કામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છો, અને તમને ધમકીઓ મળે છે કારણ કે તમે X, Yની જરૂરિયાતોને પૂર્ણ કરી રહ્યા નથી, પૂનાવાલાએ અખબારને કહ્યું કે તમે અનુમાન લગાવી શકતા નથી કે તે લોકો (Z) ખરેખર શું કરવા જઇ રહ્યા છે?
તેમણે કહ્યું, "અપેક્ષા અને આક્રમકતાનું સ્તર ખરેખર અભૂતપૂર્વ છે, તે જબરજસ્ત છે, દરેકને લાગે છે કે તેમને રસી લાગવી જોઈએ, તેઓ સમજી શકતા નથી કે અન્ય કોઇને તેમની સામે કેમ પ્રાથિક્તા મળવી જોઈએ." ઉદ્યોગપતિએ ઇન્ટરવ્યૂમાં સંકેત આપ્યો હતો કે લંડન જવાનું તેમનું પગલું બ્રિટન સહિત ભારતની બહારના દેશોમાં પણ રસી ઉત્પાદનના વિસ્તરણ માટેની વ્યવસાયિક યોજના સાથે જોડાયેલું છે. 40 વર્ષનાં આ ઉદ્યોગ સાહસિકે જણાવ્યું કે તેમની પત્ની અને બાળકો સાથે લંડન આવવાના નિર્ણય પાછળ ઘણું માનસિક દબાણ છે