કેન્દ્રીય કર્મચારીઓને જલસાઃ સાતમા પગાર પંચનો આવતા મહિનાથી અમલ ,જાણો કેટલો થશે પગાર ?
abpasmita.in | 26 Jul 2016 09:54 AM (IST)
NEXT PREV
નવી દિલ્લીઃ કેન્દ્રીય નાણા મંત્રાલયે સાતમા પગાર પંચનું જાહેરનામું પ્રસિધ્ધ કરી દીધું છે. આ જાહેરનામા પ્રમાણે કેન્દ્રીય કર્મચારીઓ માટે ઓછામાં ઓછો પગાર 7000 રૂપિયા પ્રતિ માસથી વધીને 18000 રૂપિયા થઈ જશે જ્યારે મહત્તમ પગાર 2.50 લાખ રૂપિયા મળશે. આ નવા પગાર પંચનો અમલ આવતા મહિનાથી એટલે કે 1 ઓગસ્ટથી શરૂ થઈ જશે. મતલબ કે લાખો કર્મચારીઓને આવતા મહિનીથી વધારે પગાર મળતો થઈ જશે. નવું પગાર પંચ 1 જાન્યુઆરી, 2016ની અસરથી અમલી બનશે. કર્મચારીઓને 2016-17ના નાણાંકીય વર્ષ દરમિયાન એરીયર્સ મળશે. આ પગાર વધારાથી એક કરોડ કરતાં વધારે સરકારી કર્મચારીઓ અને પેન્શન ધારકોને પગાર વધારો મળશે. જાહેરનામામાં પ્રસિધ્ધ કરાયેલી વિગતો પ્રમાણે નવા પગાર માળખામાં 31 ડીસેમ્બર, 2015ના રોજ જે બેઝિક પગાર છે તેને 2.57 વડે ગુણતાં જે રકમ આવે તે નવો બેઝિક પગાર હશે. આ પગાર પંચની ભથ્થાં અંગેની ભલામણો એક સમિતીને સોંપાઈ છે. આ સમિતી ચાર મહિનામાં તેનો અહેવાલ આપશે. ત્યાં સુધી હાલના ધોરણે વર્તમાન પગાર માળખા પ્રમાણે ભથ્થાં મળતાં રહેશે. નવા પગાર પંચ પ્રમાણે હાલમાં ગ્રાન્ટ ઓફ ઈન્ક્રીમેન્ટ માટે માત્ર 1 જુલાઈની તારીખ છે તેના બદલે 1 જાન્યુઆરી અને 1 જુલાઈ એમ વર્ષમાં બે વાર ગ્રાન્ટ ઓફ ઈન્ક્રીમેન્ટ થશે.