Heatwave Alert: દેશના અનેક રાજ્યોમાં કાળઝાળ ગરમી પડી રહી છે.  દિલ્હી, પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ સહિત દેશના મોટાભાગના ભાગોમાં આકરી ગરમી યથાવત છે. આ રાજ્યોમાં રવિવારે (16 જૂન, 2024) હીટવેવની સ્થિતિ ચાલુ રહી હતી. આ દરમિયાન, ભારતીય હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું હતું કે આગામી ત્રણ દિવસ દરમિયાન ઉત્તર ભારતના મોટાભાગના સ્થળોએ હીટવેવની શક્યતા છે. આ પછી તે ધીમે ધીમે ઘટી શકે છે. આગામી 4-5 દિવસ દરમિયાન પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદ થઈ શકે છે. 


IMDએ જણાવ્યું હતું કે 18 જૂને ઉત્તર પ્રદેશ, હરિયાણા અને દિલ્હીના કેટલાક ભાગોમાં કાળઝાળ ગરમીની શક્યતા છે. હવામાન વિભાગે જમ્મુ વિભાગ, હિમાચલ પ્રદેશ, પંજાબ, રાજસ્થાન, બિહાર અને ઝારખંડના અલગ-અલગ સ્થળોએ હીટ વેવની આગાહી કરી છે. આવું જ હવામાન 20 જૂન સુધી રહી શકે છે.


જો કે, હવામાન વિભાગની આગાહીમાં કહેવામાં આવ્યું છે કે હરિયાણામાં 18 થી 21 જૂન દરમિયાન કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.  18-21 જૂન દરમિયાન પંજાબમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે, પરંતુ તેનાથી ગરમીથી વધુ રાહત મળશે નહીં.


ક્યા ક્યા વરસાદ પડી શકે ?


હવામાન વિભાગે કહ્યું કે ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ અને મેઘાલયમાં આગામી 4-5 દિવસ દરમિયાન ભારે વરસાદ પડી શકે છે. ઉત્તર-પૂર્વના અન્ય રાજ્યોમાં પણ આવું જ હવામાન રહી શકે છે.


હવામાન કેવું હતું  ?


ઉત્તર પ્રદેશમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે. રવિવારે પ્રયાગરાજ રાજ્યનું સૌથી ગરમ સ્થળ હતું અને મહત્તમ તાપમાન 47.6 ડિગ્રી સેલ્સિયસ હતું. હરિયાણા અને પંજાબમાં રવિવારે પણ તીવ્ર ગરમીની સ્થિતિ યથાવત રહી હતી. સમરાલા અને નૂહમાં 47.2 ડિગ્રી અને 46.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. 


રાજસ્થાનમાં હવામાનની પેટર્ન સંપૂર્ણપણે અલગ છે. એક તરફ લોકો અસહ્ય ગરમી અને લૂનો સામનો કરી રહ્યા છે તો બીજી તરફ અનેક જગ્યાએ વરસાદ પડી રહ્યો છે. રવિવારે સાંજે કોટા, જયપુર, સવાઈ માધોપુર, ચિત્તોડગઢ, ભીલવાડા અને બુંદી સહિત આસપાસના વિસ્તારોમાં મધ્યમ વરસાદ નોંધાયો હતો. જ્યારે અડધા રાજસ્થાનમાં ગરમીના કારણે લોકોની હાલત ખરાબ છે. દેશના અનેક રાજ્યોમાં કાળઝાળ ગરમી પડી રહી છે.  ઘણી જગ્યાએ વરસાદ પણ વરસી રહ્યો છે.