હરિયાણાના ફરીદાબાદમાંથી શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. અહીં સરકારી કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓનું યૌન શોષણ કરવામાં આવતું હતું તેવો પર્દાફાશ થયો છે. આ ઘટના ફરીદાબાદની રાજકીય કોલેજની છે. આરોપ છે કે, પ્રોફેસર સહિત બે અન્ય કર્મચારીઓ વિદ્યાર્થિનીઓને પરીક્ષામાં પાસ કરાવવાની લાલચ આપીને તેમનું યૌન શોષણ કરતા હતા.

ઘટનાનો પર્દાફાશ થતાં ત્રણેય આરોપીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ ચોંકાવનારી ઘટના સામે આવતાં રાજ્ય મહિલા આયોગની એક ટીમે કોલેજમાં પહોંચીને તપાસ શરૂ કરી છે. આ દરમિયાન આયોગની ટીમે કોલેજમાં આ પ્રકારના મામલામાં ફરિયાદ સમિતિ સક્રિય ન હોવાની વાત કરી છે.

કોલેજની એક વિદ્યાર્થિનીનો આરોપ છે કે, એસોસિયેટ પ્રોફેસર અને લેબ એટેન્ડન્ટ પરીક્ષામાં પાસ કરાવવાના નામે તેમનું શોષણ કરતો હતો. મહિલા આયોગના સભ્ય રેણુ ભાટિયાએ કોલેજમાં પહોંચી વિદ્યાર્થિનીઓ સાથે મુલાકાત કરી હતી અને ઘટનાની જાણકારી મેળવી હતી.

આ મામલે એફઆઈઆર દાખલ કરવાની વાત કરી હતી. લોકોમાં આ મામલે ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ ઘટનામાં સામેલ આરોપીઓ વિરુદ્ધ સખત કાર્યવાહીની માંગ કરી છે.