નવી દિલ્હી: નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ શાહીન બાગમાં પ્રદર્શન કરી રહેલા લોકોએ 70 દિવસ બાદ નોઈડા અને ફરીદાબાદ જવાનો એક વૈકલ્પિક રસ્તો ખોલી દીધો છે. દિલ્હી સાઉથ ઈસ્ટ ડીસીપીએ કહ્યું કે પ્રદર્શનકારીઓના એક જૂથે રોડ નંબર 9 ખોલી દીધો હતો પરંતુ બીજા જૂથે ફરી તે રસ્તાને બંધ કરી દીધો હતો, જો કે બાદમાં આ રસ્તો ખોલવામાં આવ્યો.

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે રસ્તો ખોલવા અને વચ્ચેનો રસ્તો શોધવા માટે અહીં છેલ્લા ચાર દિવસથી વાટાઘાટો કરી રહેલા મધ્યસ્થીઓની પણ નિમણૂક કરી છે. પ્રદર્શનકારીઓ સાથે શનિવારે ચોથા દિવસે પણ સહમતિ થઈ શકી નથી. વરિષ્ઠ વકીલ સાધના રામચંદ્રન આજે એકલા અહીં આવ્યા હતા અને વાતચીત શરુ કરી હતી પરંતુ પ્રદર્શનકારીઓ ફરી સીએએ કાયદો પરત નહી લેવામાં આવે ત્યાં સુધી પ્રદર્શન સ્થળ પર જ રહેશે તેમ કહ્યું હતું. સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત મધ્યસ્થતા પેનલમાં સામેલ રામચંદ્રને કહ્યું કે તેઓ શાહીન બાગના ધરના પ્રદર્શનને ખતમ કરવા માટે નથી આવ્યા. તેઓ માત્ર રસ્તો ખોલાવવા માટે આવ્યા છે.


વાતચીત દરમિયાન પ્રદર્શનકારીઓ એક બાજુનો રસ્તો ખોલવા માટે કેટલીક શરતો મુકી છે. પ્રદર્શનકારીઓની માંગ છે કે 24 કલાકમાં સુરક્ષા આપવામાં આવે અને કોર્ટ આ મામલે આદેશ આપે. દિલ્હી પોલીસ દ્વારા તેમની સુરક્ષાને લઈને લેખિત આશ્વાસન આપવામાં આવે.