નવી દિલ્હીઃ  દિલ્હી વિધાનસભા ચૂંટણી 2020ના મંગળવારે પરિણામો જાહેર થયા હતા. જેમાં ફરી એક વખત આમ આદમી પાર્ટી સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી આવી હતી. દિલ્હી વિધાનસભાની ચૂંટણીની 70 સીટ પૈકી આમ આદમી પાર્ટી(AAP)ને 62 અને ભારતીય જનતા પાર્ટી(BJP)ને  8 સીટ મળી હતી. કોંગ્રેસ સતત બીજી વખત વિધાનસભા ચૂંટણીમાં ખાતું ખોલાવી શકી નથી. કેજરીવાલે જીતની હેટ્રિક લગાવી હતી.


ગુજરાત કોંગ્રેસના કયા નેતાને મળી જવાબદારી

વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની ભૂંડી હાર બાદ  દિલ્હી કોંગ્રેસ પ્રમુખ સુભાષ  ચોપડાએ હારની જવાબદારી સ્વીકારી રાજીનામું આપ્યું હતું. ઉપરાંત રાજ્યના પાર્ટી ઈન્ચાર્જ પીસી ચાકોએ પણ રાજીનામું આપી દીધું હતું. આ બંનેના રાજીનામા  આજે  કોંગ્રેસના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધીએ સ્વીકારી લીધા હતા. દિલ્હીના ઈન્ચાર્જ તરીકે ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલની વરણી કરવામાં આવી છે. શક્તિસિંહ ગોહિલ હાલ બિહાર કોંગ્રેસના પ્રભારી છે.


કોંગ્રેસના 63 ઉમેદવારની ડિપોઝીટ થઈ જપ્ત

દિલ્હીમાં 15 વર્ષ સુધી સત્તામાં રહેનારી કોંગ્રેસને આ વખતે વિધાનસભા ચૂંટણીમાં 5%થી પણ ઓછા વોટ મળ્યા હતા અને 63 ઉમેદવારોએ ડિપોઝિટ પણ ગુમાવી છે. 2015ની જેમ કોંગ્રેસ 2020માં પણ ખાતું ખોલી શકી નથી. આ વખતની ચૂંટણીમાં તેના મતની ટકાવારી પણ ઘટી ગઈ છે. કોંગ્રેસના ઉમેદવારોએ 5000 વોટ મેળવવા માટે પણ સંઘર્ષ કરવો પડયો હતો. જેનું ઉદાહરણ અલકા લાંબા છે.  હાઈ પ્રોફાઇલ ઉમેદવાર અલકા લાંબાને માત્ર 3881 મત મળ્યા હતા.


અમારા માટે સંઘર્ષનો સમયઃ પ્રિયંકા ગાંધી

કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીએ આજે દિલ્હી વિધાનસભાના ચૂંટણી પરિણામ અંગે પ્રતિક્રિયા આપી હતી. પ્રિયંકા ગાંધીએ કહ્યું, જનતા જે કરે છે તે બરાબર જ છે. આ અમારા માટે સંઘર્ષનો સમય છે. અમારે ખૂબ સંઘર્ષ કરવાનો છે અને અમે કરીશું.


કોરોના વાયરસઃ જાપાનના ક્રૂઝમાં  ફસાયેલા 2 ભારતીયોના રિપોર્ટ આવ્યા પોઝિટિવ, જાણો વિગત

દિલ્હીઃ કેજરીવાલ કેબિનેટમાં કોને કોને મળશે સ્થાન, જાણો વિગત