Ayodhya Ram Mandir: 22મી જાન્યુઆરીએ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. જેમાં અનેક લોકો ભાગ લેવાના છે. કેટલાક શંકરાચાર્યોએ આ કાર્યક્રમમાં ભાગ લેવાનો ઈન્કાર કરી દીધો છે. તેમનું કહેવું છે કે, આ કાર્યક્રમ સનાતન ધર્મ પ્રમાણે આયોજિત નથી થઈ રહ્યો. પરંતુ શું તમે જાણો છો કે શંકરાચાર્ય કોણ છે અને હિન્દુ ધર્મમાં આ પદનું કેટલું મહત્વ છે. આજે આપણે જાણીશું કે શંકરાચાર્યના પદનો ઈતિહાસ શું છે અને વ્યક્તિ માટે આ પદ મેળવવા માટે શું જરૂરી માનવામાં આવે છે.


શંકરાચાર્ય કોણ હોય છે?
તમને જણાવી દઈએ કે, હિન્દુ ધર્મમાં શંકરાચાર્ય સર્વોચ્ચ ગુરુનું પદ છે. જે બૌદ્ધ ધર્મમાં દલાઈ લામા અને ખ્રિસ્તી ધર્મમાં પોપનું હોય છે. ભારતમાં ચાર મઠોમાં ચાર શંકરાચાર્ય છે. સ્વામી સ્વરૂપાનંદ એકમાત્ર શંકરાચાર્ય હતા જેઓ બે મઠના વડા હતા.


શંકરાચાર્યનો ઇતિહાસ શું છે?
શંકરાચાર્યના પદનો ઈતિહાસ જોઈએ તો આ પદની શરૂઆત આદિ શંકરાચાર્યથી થઈ હોવાનું માનવામાં આવે છે. જે હિંદુ દાર્શનિક અને ધાર્મગુરુ હતા. આ ઉપરાંત આદિ શંકરાચાર્ય હિન્દુત્વના મહાન પ્રતિનિધિઓમાંના એક હતા. તેમણે જ સનાતન ધર્મની પ્રતિષ્ઠા માટે ભારતમાં ચાર જુદા જુદા વિસ્તારોમાં ચાર મઠોની સ્થાપના કરી હતી. આ મઠોમાં આદિ શંકરાચાર્યે તેમના ચાર મુખ્ય શિષ્યોની નિમણૂક કરી હતી. ત્યારથી આ ચાર મઠમાં શંકરાચાર્ય પદની પરંપરા ચાલી આવે છે. આ ઉપરાંત ચારમાંથી દરેકનું પોતાનું એક વિશેષ મહાવાક્ય પણ છે.


મઠો શું હોય છે?
મઠ એટલે એવી સંસ્થાઓ કે જેમાં હાજર ગુરુ તેમના શિષ્યોને ઉપદેશ આપવા અને ધાર્મિક શિક્ષણ આપવાનું કામ કરે છે. આ મઠોને પીઠ પણ કહેવામાં આવે છે. આ ગુરુઓ મુખ્યત્વે ધર્મગુરુ હોય છે. જો કે, મઠના વિવિધ ધાર્મિક અર્થો છે. જેમ બૌદ્ધ મઠોને વિહાર કહેવામાં આવે છે, જ્યારે ખ્રિસ્તી ધર્મમાં, મઠોને મોનેસ્ટ્રી, પ્રાયોરી, ચાર્ટરહાઉસ અને એબી જેવા નામોથી ઓળખવામાં આવે છે.


શંકરાચાર્ય બનવા માટે શું જરૂરી છે?
શંકરાચાર્ય બનવા માટે કેટલીક વિશેષ યોગ્યતાઓ પણ જરૂરી છે. તમને જણાવી દઈએ કે શંકરાચાર્યના પદ પર બેઠેલા વ્યક્તિ માટે ત્યાગી બ્રાહ્મણ, બ્રહ્મચારી, દંડી સન્યાસી, સંસ્કૃત, ચતુર્વેદ, વેદાંત અને પુરાણોનો જાણકાર હોવું ખૂબ જ જરૂરી છે. આ સિવાય તે વ્યક્તિ રાજકીય ન હોવી જોઈએ.