દેશમાં મોંઘવારીને લઈને એક પછી એક પાર્ટીના નેતાઓ સરકાર સામે મોરચો માંડી રહ્યા છે. હવે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવારે વધતી મોંઘવારી પર મૌન તોડતા ભાજપની કેન્દ્ર સરકારની ટીકા કરી છે. શરદ પવારે પેટ્રોલ અને ડીઝલની સતત વધી રહેલી કિંમતો પર કહ્યું કે જે રીતે પેટ્રોલ અને ડીઝલની કિંમતો દરરોજ વધી રહી છે તે પહેલા ક્યારેય નથી જોઈ. નરેન્દ્ર મોદી સરકાર મોંઘવારીને લઈને કંઈ કરી રહી નથી.


ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'  અંગે પણ આપી પ્રતિક્રિયા


આ ઉપરાંત શરદ પવારે ચર્ચિત ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' પર પણ ખુલીને વાત કરી હતી. તેમણે કહ્યું કે જ્યારે કાશ્મીરી પંડિતો પર અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો ત્યારે ત્યાંની સરકારને ભાજપનું સમર્થન હતું. તે સમયે ત્યાં  મુસ્લિમો પર પણ આવા હુમલા થયા હતા. આ બધામાં પાકિસ્તાની આતંકવાદીઓનો હાથ હતો. સરકારે આવી ફિલ્મો બંધ કરવી જોઈતી હતી. તેમણે કહ્યું કે જો મોદી સરકારને કાશ્મીરી પંડિતોની આટલી જ ચિંતા છે તો તેણે તેમના પુનર્વસન માટે કામ કરવું જોઈતું હતું, જે તેમણે નથી કર્યું.


કોંગ્રેસ અધ્યક્ષ પદ અંગે પણ મૌન તોડ્યું


જ્યારે શરદ પવારને કોંગ્રેસ અધ્યક્ષ પદ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે તેમને કોંગ્રેસ અધ્યક્ષ પદમાં રસ નથી. આ તેમની પાર્ટીની વાત છે, આવી સ્થિતિમાં કોણ અધ્યક્ષ બનશે તે તેમના લોકો જ નક્કી કરશે.


ભાજપ વિરુદ્ધ રણનીતિ ઘડવા આહવાન


ચૂંટણીમાં ભાજપને ઘેરવાના સવાલ પર શરદ યાદવ કહ્યું કે, ભાજપને હરાવવા માટે બિન-ભાજપ પક્ષોએ એક થવું જોઈએ. જ્યારે બધા એક થાય તો ભાજપને હરાવી શકાય. અત્યારે વિપક્ષમાં ભાગલા છે અને તેનો ફાયદો ભાજપને મળી રહ્યો છે. જો બધી વિપક્ષી પાર્ટી એક થાય તો ભાજપનો મુકાબલો કરી શકાય.