નવી દિલ્હી: દિલ્હીની એક કોર્ટે માનહાનિ કેસમાં સુનાવણી દરમિયાન હાજર ન રહેતા કૉંગ્રેસ નેતા શશિ થરૂરને 5 હજારનો દંડ ફટકાર્યો છે. થરુરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને કથિત રીતે શિવલિંગ અને‘વીંછી’ સંબંધિત વિવાદિત ટિપ્પણી કરી હતી.


દિલ્હી ભાજપના નેતા રાજવી બબ્બર દ્વારા કરવામાં આવેલી આ ફરિયાદમાં તેણે કહ્યું હતું કે, હું ભગવાન શિવનો ભક્ત છું... પરંતુ આરોપી એ કરોડો શિવભક્તોની ભાવનાનો અનાદર કર્યો છે. તેના નિવેદનથી શિવભક્તોની લાગણી દુભાઈ છે.

થરૂર વિરુદ્ધ માનહાની સંબંધિત ભારતી દંડ સંહિતાની ધારા 499 અને 500 હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ વિશાલ પાહુજાએ શશી થરૂર પર દંડ ફટકારતા કહ્યું કે કોર્ટનો નિર્દેશ છતાં પણ તેઓ હાજર રહ્યાં નથી.

શશિ થરૂરે ગત વર્ષે બેંગલુરુ સાહિત્ય મહોત્સવમાં આ ટિપ્પણી કરી હતી. તેણે કહ્યું હતું કે એક અજ્ઞાત આરએસએસ નેતાએ મોદીની તુલના શિવલિંગ પર બેઠેલા એક વીંછી સાથે કરી હતી. તેમણે કહ્યું હતું કે, “તે વ્યક્તિએ કહ્યું કે મોદી શિવલિંગ પર બેઠેલા વીછીં જેવા છે. તમે તેને હટાવી નથી શકતા અને તેને ચપ્પલથી પણ મારી શકતા નથી. હાથથી મારશો તો ડંખ મારશે, ચપ્પલથી મારશો તો ધર્મનું અપમાન કરશે. ”