પૂણે: કૉંગ્રેસ નેતા શશિ થરૂરે મોબ લિંચિંગનો ઉલ્લેખ કરતા સરકાર પર નિશાન સાધતા કહ્યું કે ભારત હવે એક એવો દેશ બની ગયો છે જ્યાં સહિષ્ણુતા માટે કોઇ જગ્યા નથી. આજે રામના નામ પર લોકોની હત્યા કરી દેવામાં આવે છે. શું આ આપણું ભારત છે. શું આ હિંદુ ધર્મ છે. શું ચૂંટણીના એક પરિણામે આ લોકોને એટલી બધી તાકાત આપી દીધી છે કે એ લોકો કંઇ પણ કરી શકે છે, કોઇને પણ મારી શકે છે. પૂનામાં આંતરાષ્ટ્રીય સાહિત્ય મહોત્સવમાં શશિ થરૂરે કહ્યું કે છેલ્લા છ વર્ષોમાં આપણે શું જોઇ રહ્યા છીએ? એમને કહ્યું કે પૂનામાં મોહસિન શેખ નામના શખ્સની હત્યાની સાથે આ સિલસિલો શરૂ થયો છે. ત્યારબાદ મોહમ્મદ અખલાકને મારી નાંખવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે એની પાસે બીફ હતું, પરંતુ બાદમાં એવી વાત સામે આવી હતી કે એની પાસે બીફ નહતું. જો એની પાસે બીફ હતું તો પણ એને મારી નાંખવાની પરવાનગી કોને આપી હતી. તેમણે કહ્યું કે પહલૂ ખાન ડેરી ફાર્મિંગ માટે ગાય લઈ જઈ રહ્યાં હતા. તેની પાસે ગાયને લઇ જવાનું લાયસન્સ હતું, પરંતુ એને પણ ભીડે મારી નાંખ્યા. શું ચૂંટણીના એક પરિણામે આ લોકોને એટલી બધી તાકાત આપી દીધી છે કે એ લોકો કંઇ પણ કરી શકે છે, કોઇને પણ મારી શકે છે. શશિ થરૂરે કહ્યું કે શું આ આપણું ભારત છે અને શું હિંદુ ધર્મ આવું શિખવાડે છે. એમને કહ્યું કે હું હિંદુ છું, પરંતુ આવા પ્રકારનો નહીં કે લોકોને મારવામાં આવે છે અને તેને જયશ્રી રામ કહેવડાવામાં આવે છે. આ હિંદુ ધર્મનું અપમાન છે, ભગવાન રામનું અપમાન છે, તેના નામનો ઉપયોગ કરીને લોકોને મારવામાં આવે છે.