નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીની સહયોગી પાર્ટી શિરોમણી અકાલી દળે દિલ્હી વિધાનસભાની ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. મનજિન્દરસિંહ સિરસાએ કહ્યું ભાજપ અને અકાલી દળના જૂના સંબંધ છે પરંતુ જ્યારથી સુખબીર બાદલજીએ CAA અંગે સ્ટેન્ડ લીધું ત્યારે ભાજપે તેના પર પુનર્વિચાર કરવા કહ્યું હતું. અમે ઇચ્છતા હતા કે દરેક ધર્મના લોકોને CAAમાં સામેલ કરવામા આવે. અમે તે વલણ પર મક્કમ છીએ તેથી અમે સ્ટેન્ડ બદલવાની જગ્યાએ દિલ્હીમાં ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો છે.


મનજિન્દરસિંહ સિરસાએ વધુમાં કહ્યું કે પાર્ટી માને છે કે NRC લાગૂ ન થવું જોઇએ. અમે નાગરિકતા કાયદાનું (CAA)સ્વાગત કરીએ છીએ પરંતુ અમે ક્યારેય કોઇ ધર્મને તેમાંથી બાકાત કરવા કહ્યું ન હતું. અમે NRCની પણ વિરુદ્ધમાં છીએ. એવો કોઇ કાયદો ન હોવો જોઇએ જેના લીધે લોકોને લાઇનમાં ઉભા રહીને બધુ પુરવાર કરવું પડે. આ એક મહાન દેશ છે જેમાં કોમવાદને કોઇ સ્થાન નથી.


મનજિંદર સિંહ સિરસાએ કહ્યું અમારી છેલ્લા ત્રણ દિવસથી ભાજપ સાથે વાતચીત ચાલી રહી હતી, પરંતુ અમે અમારા સ્ટેન્ડ ફરથી પાછળ હટવા તૈયાર નથી. આજ કારણે અમારા નેતાના આદેશ પર દિલ્હીમાં શિરોમણી અકાલી દળે વિધાનસભા ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો છે.