નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સોમવારે નવી દિલ્હીની વિધાનસભા બેઠક માટે ઉમેદવારી ફોર્મ ભરવાના હતા. પરંતુ કેજરીવાલ રોડ શોના કારણે ઉમેદવારી ફોર્મ ભરવા માટે નક્કી કરેલા સમય 3.00 વાગ્યા સુધીમાં ઈલેક્શન કમિશનની ઓફિસ પહોંચી શક્યા નહીં. જેના કારણે હવે અરવિંદ કેજરીવાલ મંગળવારે 21 તારીખે પરિવાર સાથે ઉમેદવારી ફોર્મ ભરવા જશે.


આજે રોડ શો પહેલાં સીએમ કેજરીવાલ વાલ્મીકી મંદિર પહોંચ્યા હતા. અહીંથી તેઓ રોડ શો કરીને ઉમેદવારી ફોર્મ ભરવા માટે નીકળ્યા હતા. રોડ શો દરમિયાન ભેગી થયેલી ભીડના કારણે તેમનો કાફલો નક્કી કરેલા સમય સુધી ઈલેક્શન કમિશનની ઓફિસ પહોંચી શક્યો નહોતો.


ભાજપ અને કોંગ્રેસમાં કેજરીવાલની સામે કયા ઉમેદવાર ઉતારવા તે માટે ચર્ચા-વિચારણાં ચાલી રહી છે. કોંગ્રેસ પૂર્વ સીએમ શીલા દીક્ષિતની દીકરી લતિકા દીક્ષિત અથવા બહેન રમા ધવનને નવી દિલ્હીની સીટ પરથી ચૂંટણી લડાવવા માંગે છે.

કોંગ્રેસમાં કેજરીવાલ સામે ચૂંટણી લડવા માટે રવિવારે મોડી રાત સુધી લતિકા દીક્ષિત અને રમા ધવનને મનાવવાનો પ્રયત્ન ચાલતો હતો. આ સિવાય નવી દિલ્હીની સીટ માટે અજય માકનના અંગત મહેન્દ્ર મંગલા, સુભાષ ચોપડાના ખાસ રમેશ સબ્બરવાલ અથવા યુથ કોંગ્રેસ સાથે જોડાયેલા અશોક ચોપડાનું નામ પણ સામેલ છે. પાર્ટીએ શનિવારે રાતે 54 સીટોના નામ જાહેર કર્યા હતા.