નવી દિલ્હી: લદાખની ગલવાન ઘાટીમાં ચીનની સેના સાથે થયેલી હિંસક અથડામણ બાદ હવે આ મુદ્દો રાજકીય રંગ લઈ રહ્યો છે. શિવસેનાએ હવે પ્રધાનમંત્રી મોદી પર નિશાન સાધ્યું છે. શિવસેનાએ કહ્યું કે બિહાર વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પીએમ મોદીએ બિહાર રેજીમેન્ટના વખાણ કરી રહ્યા છે.


શિવસેનાના સંજય રાઉતે પીએમ મોદી દ્વારા બિહાર રેજીમેન્ટના જવાનોના વખાણ કરવાના નિવેદન પર કહ્યું કે જો એ જવાનોએ બહાદુરી બતાવી તો અન્ય રેજીમેન્ટના જવાનો શુ સરહદ પર તમાકુ ચોળીને બેઠા હતા ?

સંજય રાઉતે કહ્યું, ' બિહાર રેજીમેન્ટએ લદાખની ગલવાન ઘાટીમાં બહાદુરી બતાવી તો મહારો, મરાઠા, રાજપૂતો, શિખો, ગોરખાઓ, ડોગરા રેજીમેન્ટ સરહદ પર તમાકુ ચોળીને બેઠા હતા શું? મહારાષ્ટ્રના વીરપુત્ર સુનીલ કાલે આવતીકાલે પુલવામામાં શહીદ થયા પરંતુ બિહારમાં ચૂંટણી હોવાના કારણે સેનામાં જાતિ અને પ્રાંતનું મહત્વ જણાવવામાં આવી રહ્યું છે. આ પ્રકારનું રાજકારણ કોરોનાથી પણ વધારે ખરાબ છે.

સંજય રાઉતે કહ્યું કે સેનાની કોઈપણ રેજીમેન્ટ માત્ર રેજીમેન્ટ હોય છે. દરેક રેજીમેન્ટની પોતાની પરંપરા અને ગાથા છે. તમામ રેજીમેન્ટ દેશની હોય છે.