નવી દિલ્હી: મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભા ચૂંટણીનું ચિત્ર લગભગ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે.મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના ગઠબંધન સરકાર બનવાની સ્થિતિમાં નજર આવી રહી છે, જ્યારે હરિયાણામાં ત્રિશંકુ વિધાનસભા સ્થિતિ બની રહી છે. મનોહર લાલ ખટ્ટર માટે પરિસ્થિતિ પડકારરૂપ છે. કોંગ્રેસ પણ બહુમતીના આંકડાથી ઘણી દૂર છે. હરિયાણામાં જેજેપી કિંગ મેકર બની શકે છે.


આ વખતે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી ઠાકરે પરિવાર માટે ઐતિહાસિક રહી છે. પ્રથમ વખત ઠાકરે પરિવારનો કોઇ સભ્ય ચૂંટણી મેદાનમાં ઉતર્યો છે. તેની સાથે જ ઠાકરે પરિવારનો પ્રથમ સભ્ય ધારાસભ્ય પણ બની ગયો છે. વરલી બેઠકથી ચૂંટણી મેદાનમાં ઉતરેલા ઉદ્ધવ ઠાકરેના દીકરા આદિત્ય ઠાકરે ચૂંટણી જીતી ગયા છે. જણાવી દઇએ કે મુંબઇની આ બેઠક શિવસેના માટે ગઢ માનવામાં આવે છે.

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના દીકરા આદિત્ય ઠાકરે માટે પોતાની વરલી વિધાનસભા બેઠક છોડનારા શિવસેના ધારાસભ્ય સુશીલ શિંદેએ ચૂંટણી પરિણામો વચ્ચે મોટું નિવેદન આપ્યું છે. સુશીલ શિંદે તરફથી માંગ કરવામાં આવી છે કે આદિત્ય ઠાકરેને મુખ્યમંત્રી બનાવવામાં આવે, કારણ કે તેવી જનતાની ઇચ્છા છે. જણાવી દઇએ કે ચૂંટણી પહેલા પણ શિવસેના તરફથી મુખ્યમંત્રી પદની માંગ ઉઠતી રહી છે.