ભોપાલ: ભાજપ નેતા શિવરાજ સિંહ ચૌહાણે શુક્રવારે કૉંગ્રેસના નેતા કમલનાથ સાથે તેમના ઘરે જઈ મુલાકાત કરી હતી. આ મુલાકાતની તસવીરમાં બંને નેતાઓ હસતા જોવા મળ્યા રહ્યા છે. ઉલ્લેખનીય છે કે કમલનાથે બહુમત પરીક્ષણ પહેલા રાજીનામું આપી દીધુ હતું. મધ્યપ્રદેશમાં ભાજપના ધારાસભ્ય દળની બેઠક આજે મળી શકે છે.


ઉલ્લેખનીય છે કે શુક્રવારે મધ્યપ્રદેશમાં રાજકીય સંકટ વચ્ચે અંતે કૉંગ્રેસે હારનો સામનો કરવો પડ્યો હતો. મુખ્યમંત્રી કમલનાથે શુક્રવારે મુખ્યમંત્રી નિવાસ પર પત્રકાર પરિષદ કરી રાજીનામાની જાહેરાત કરી હતી. આ દરમિયાન કમલનાથે ભાજપ પર લોકતંત્રના મૂલ્યોની હત્યા કરવાનો આરોપ લગાવ્યો હતો.

કમલનાથે કહ્યું કે જે રીતે ભાજપ દ્વારા કરોડોનો ખર્ચ કરી આ રમત રમવામાં આવી છે પ્રદેશ આ જોઈ રહ્યો છે. સિંધિયા પર નિશાન સાધતા કહ્યું કે એક મહારાજ સાથે કેટલાક લાલચુ ધારાસભ્યોએ આ રમત રમી છે. ભાવુક થઈ કમલનાથે કહ્યું મારી શુ ભૂલ હતી. કમલનાથે કહ્યું જ્યારે હુ કેંદ્રમાં હતો ત્યારે મે પ્રદેશની ખૂબ મદદ કરી હતી. મને જનતાએ 5 વર્ષની તક આપી હતી પ્રદેશના નવા રસ્તા પર લઈ જવા માટે. મારી શું ભૂલ હતી મે હંમેશા વિકાસમાં વિશ્વાસ રાખ્યો છે. પત્રકાર પરિષદને સંબોધન બાદ કમલનાથે રાજભવન પહોંચી રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપી દીધું હતુ.

કૉંગ્રેસના તમામ 22 બળવાખોર ધારાસભ્યોના રાજીનામાં બાદ ભાજપ સૌથી મોટી પાર્ટી બની ગઈ છે. ભાજપ પાસે 106 ધારાસભ્યો છે, જ્યારે કૉંગ્રેસ પાસે સ્પીકર સહિત માત્ર 92 ધારાસભ્યો છે. કૉંગ્રેસને સપા-બસપા અને અપક્ષના 7 ધારાસભ્યોનું પણ સમર્થન છે.