ભોપાલ: મધ્યપ્રદેશમાં રાજ્યના આગામી મુખ્યમંત્રી તરીકે શિવરાજ સિંહ ચૌહાણનું નામ લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે. સુત્રોની જાણકારી અનુસાર શિવરાજ સિંહ ચૌહાણ આજે રાજ્ય મુખ્યમંત્રી તરીકે રાત્રે નવા વાગ્યે રાજભવનમાં શપથ લેશે.



કમલનાથના રાજીનામા બાદ મુખ્યમંત્રી પદની રેસમાં શિવરાજ સિંહ સૌથી આગળ માનવામાં આવી રહ્યા હતા. શિવરાજ સિંહ 2005થી 2018 સુધી સતત 13 વર્ષ સુધી રાજ્યના મુખ્યમંત્રી પદ પર રહી ચૂક્યા છે. શિવરાજ સિંહ આજે શપથ ગ્રહણ કરશે તો મધ્ય પ્રદેશના ઈતિહાસમાં આવું પ્રથમવાર થશે જ્યારે કોઈ ચોથી વાર મુખ્યમંત્રી પદના શપથ લેશે. શિવરાજ સિંહ ચૌહાણના નામ સાથે નરેન્દ્ર સિંહ તોમર અને નરોત્તમ મિશ્રાના નામની પણ ચર્ચા હતી.

15 વર્ષ સુધી સત્તામાં રહેલી ભાજપ સરકાર જ્યારે ડિસેમ્બર 2018માં ચૂંટણી હારી ગઈ ત્યારે શિવરાજ સિંહ ચૌહાણના રાજકીય કરિયર સામે સવાલ ઉભા થયા હતા. ત્યારે લાગતુ હતું કે શિવરાજને કેન્દ્રમાં મોકલવામાં આવી શકે છે, પરંતુ તેમણે મઘ્ય પ્રદેશમાં જ રહેવાની ઈચ્છા જણાવી હતી.