નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં સત્તા સંગ્રામને લઇને હવે રાજકારણ વધુ ગરમાયુ છે, શિવસેના અને બીજેપી એકબીજા પર સરકાર બનાવવાને લઇને છેતરપિંડી કર્યાનો આરોપ લગાવી રહી છે. હવે આ મામલે ફરી એકવાર શિવસેના નેતા સંજય રાઉતે બીજેપી પર આડકતરો પ્રહાર કર્યો છે.

હૉસ્પીટલમાંથી ડિસ્ચાર્જ થઇને બહાર આવેલા સંજય રાઉતે સોશ્યલ મીડિયા પર બીજેપી પર કટાક્ષ કર્યો છે. ગુરુવારે રાઉતે ટ્વીટ કર્યુ અને ઇશારા ઇશારામાં બીજેપીને આડેહાથે લીધી હતી. સંજય રાઉતે લખ્યું કે, ‘અમે ખરાબ જ બરાબર છીએ, જ્યારે સારા હતા ત્યારે કયા મેડલ મળી ગ્યા’.


ઉલ્લેખનીય છે કે આ અગાઉ બુધવારે સંજય રાઉતે પૂર્વ વડાપ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા રહી ચૂકેલા અટલ બિહારી વાજપેયીની કવિતાને ટ્વીટ કરી હતી. આ કવિતા મારફતે બીજેપી પર સીધુ નિશાન તાક્યુ હતુ. રાઉત અવારનવાર પોતાના ટ્વીટમાં શાયરી, કવિતા અને દોહા લખીને બીજેપી પર હુમલો કરતાં રહે છે.


નોંધનીય છે કે, મહારાષ્ટ્રમાં 12 નવેમ્બરથી રાષ્ટ્રપતિ શાસન લગાવી દેવામાં આવ્યું છે. શિવસેનાએ પરિણામો બાદ ભાજપ સાથે છેડો ફાડી નાંખ્યો હતો પરંતુ સરકાર બનાવવા રાજ્યપાલને મનાવવામાં નિષ્ફળ રહી હતી. રાજ્યની સૌથી મોટી પાર્ટી ભાજપે પહેલા જ સરકાર બનાવવાને લઈ તેમના હાથ પાછા ખેંચી લીધા હતા. વિધાનસભા ચૂંટણીમાં શિવસેનાએ 56, એનસીપીએ 54 અને કોંગ્રેસે 44 સીટ પર જીત મેળવી છે. ત્રણેય મળીને આસાનીથી સરકાર બનાવી શકે છે. રાજ્યમાં બહુમત માટેના 145ના આંકડા સામે ત્રણેય પાર્ટીઓના મળીને 154 ધારાસભ્યો છે. 105 સીટ જીતીને રાજ્યમાં ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભર્યું હતું.