નવી દિલ્હી:  શિવસેના કે ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray)જૂથને સુપ્રીમ કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે.  5 જોજોની બેંચે  પાર્ટીના ચૂંટણી ચિહ્ન (Party Symbol) ને લઈ ચૂંટણી પંચ (Election Commission) ની કાર્યવાહી રોકવાનો ઈન્કાર કરી દીધો છે.


ઉદ્ધવ જૂથના વકીલ કપિલ સિબ્બલ અને અભિષેક મનુ સિંઘવીએ આગ્રહ કર્યો હતો કે પક્ષના ચૂંટણી પ્રતીકોની ફાળવણી અંગે ચૂંટણી પંચમાં ચાલી રહેલી કાર્યવાહી પર રોક લગાવવી જોઈએ. સિબ્બલે દલીલ કરી હતી કે મુખ્યમંત્રી એકનાથ શિંદે અને તેમના જૂથના ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાનો મુદ્દો હજુ પેન્ડિંગ છે. આવી સ્થિતિમાં, તેના પર નિર્ણય લીધા વિના, ચૂંટણી પંચને વાસ્તવિક પક્ષ વિશે નિર્ણય લેતા અટકાવવું જોઈએ.


શિંદે જૂથ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ નીરજ કિશન કૌલે કહ્યું કે ચૂંટણી પંચ તેની પાસે ઉપલબ્ધ તથ્યોના આધારે પક્ષના ચૂંટણી ચિન્હ અંગે નિર્ણય લે છે. આ પંચનું બંધારણીય કાર્ય છે. તેનાથી તેને રોકવો ન જોઈએ.


ચૂંટણી પંચના વકીલ અરવિંદ દાતારે કહ્યું કે આયોગ તેની બંધારણીય જવાબદારી નિભાવી રહ્યું છે. તેને રોકવું જોઈએ નહીં. કમિશન એ જોતું નથી કે કોણ ધારાસભ્ય છે અને કોણ નથી. માત્ર પાર્ટીના સભ્ય હોવું પૂરતું છે.



મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેના નેતૃત્વમાં શિવસેનાના વિધાનસભ્યોના બળવો અને ત્યારબાદ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના રાજીનામાને કારણે સર્જાયેલી સ્થિતિને લઈને સુપ્રીમ કોર્ટમાં અનેક અરજીઓ પેન્ડિંગ છે. આ અરજીઓમાં શિંદે કેમ્પના 16 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા, સરકાર બનાવવા માટે રાજ્યપાલ દ્વારા એકનાથ શિંદેને આમંત્રણ, ગૃહમાં નવા સ્પીકરની ચૂંટણીની ખોટી પ્રક્રિયા જેવા અનેક મુદ્દા ઉઠાવવામાં આવ્યા છે.


23 ઓગસ્ટના રોજ, સુપ્રીમ કોર્ટના તત્કાલિન મુખ્ય ન્યાયાધીશ એનવી રમનાની આગેવાની હેઠળની 3 જજોની બેન્ચે આ મામલો 5 જજોની બેંચને મોકલી આપ્યો હતો. ત્યારે કોર્ટે કહ્યું હતું કે બંધારણીય બેંચ પહેલા નક્કી કરશે કે શિવસેનાના ચૂંટણી ચિન્હને લઈને બંને પક્ષોના દાવા પર ચૂંટણી પંચે પોતાની કાર્યવાહી ચાલુ રાખવી જોઈએ કે નહીં. ત્યારબાદ કોર્ટે કમિશનને તેની કાર્યવાહી અટકાવવા કહ્યું.


હવે ચૂંટણી પંચ નક્કી કરશે


પોતાને વાસ્તવિક શિવસેના ગણાવતા, એકનાથ શિંદે જૂથે ચૂંટણી પંચને પક્ષનું ચૂંટણી ચિહ્ન પોતાને ફાળવવાની માંગ કરી હતી. પંચે આ અંગે ઉદ્ધવ ઠાકરે જૂથ પાસેથી જવાબ માંગ્યો હતો, પરંતુ જવાબ આપવાને બદલે તેઓએ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. કોર્ટમાં સુનાવણીના કારણે પંચની કાર્યવાહી અટકી પડી હતી. હવે ચૂંટણી પંચ આ મામલે નિર્ણય લઈ શકશે.