નવી દિલ્લી: જાણીતા લેખિકા અને કોલમિસ્ટ શોભા ડેએ ઓલિમ્પિક્સમાં ગયેલા ભારતીય ખેલાડીઓના ખરાબ પ્રદર્શન પર ટ્વીટર ઉપર ટ્વીટ કરીને મજાક ઉડાળી છે. પોતાના વિવાદિત નિવેદનોના કારણે હંમેશા વિવાદોમાં રહેતી શોભાએ પોતાના ટ્વીટમાં કહ્યું છે કે, ઓલિમ્પિક્સમાં ભારતીય ખેલાડીઓનો ગોલ છે રિયો જઈને સેલ્ફી લઈને ખાલી હાથે પાછા આવી જવું. પૈસા અને તકનો કેવો બગાડ છે.
ઉલ્લેખનીય છે કે, રિયો ઓલિમ્પિક્સ 2016માં દિપા કરમાકર સિવાય કોઈ પણ ખેલાડી એવો નથી કે, જેણે મેડલની આશાઓ જીવંત રાખી હોય. તેમ છતાં કરોડો ભારતવાસીઓ પોતાના દેશના ખેલાડીઓનો જુસ્સો વધારી રહ્યા છે અને ઓલિમ્પિક્સમાં ખરાબ પ્રદર્શન કરવાના કારણે જે લોકો ભારતીય ખેલાડીઓની ટીકા કરી રહ્યા છે, તે લોકોને પાઠ પણ ભણાવી રહ્યા છે. જે યાદીમાં હાલમાં શોભા ડેનું નામ જોડાયું છે.
શોભાના ટ્વીટ પછી કેટલાક દિગ્ગજ ખેલાડીઓ અને ટ્વીટર ઉપર એક્ટિવ રહેતા અન્ય લોકોએ શોભાની ટીકા કરી હતી અને શોભાના ટ્વીટનો જવાબ આપતા એક ટ્વીટર યૂઝર્સે કહ્યું હતું કે, શોભાનો ગોલ છે ઓનલાઈન આવીને નકામી વાત કરિને અપશબ્દો સાંભળીને પાછા જાઓ.
શોભા ડેના ટ્વીટનો જવાબ આપતા સ્ટાર શૂટર અભિનવ બિન્દ્રાએ ટ્વીટ કરીને કહ્યું કે, આ ખોટુ છે. તમને તમારા ખેલાડીઓ ઉપર ગર્વ થવો જોઇએ, તે લોકો આખી દુનિયા સાથે સ્પર્ધા કરે છે.