Delhi Coaching Basement Incident: દિલ્હીમાં શનિવારે (27 જુલાઈ) સાંજે વરસાદના કારણે રાજેન્દ્ર નગર વિસ્તારમાં સ્થિત રાવ આઈએસ કોચિંગ ઈન્સ્ટિટ્યૂટના ભોંયરામાં પાણી ભરાઈ ગયા હતા. ભોંયરામાં પાણી ભરાવાને કારણે યુપીએસસીની તૈયારી કરી રહેલા ત્રણ વિદ્યાર્થીઓના મોત થયા હતા. મૃતકોમાં બે વિદ્યાર્થીનીઓ અને એક છોકરાનો સમાવેશ થાય છે. દરમિયાન, માહિતી પ્રાપ્ત થઈ છે કે રાવ આઈએસ કોચિંગ ઈન્સ્ટિટ્યૂટને 9 જુલાઈ, 2024ના રોજ જ ફાયર એનઓસી મળી હતી.
ઈમારતમાં બે બેઝમેન્ટ છે.. એનઓસી મુજબ બેઝમેન્ટને સ્ટોરેજ બનાવવાની પરવાનગી આપવામાં આવી હતી. આનાથી સ્પષ્ટ દેખાય છે કે, લાયબ્રેરી બનાવીને સુરક્ષા નિયમોનો ભંગ કરવામાં આવ્યો છે. આ ઘટનામાં જીવ ગુમાવનારા ત્રણ વિદ્યાર્થીઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે.
આ અકસ્માતમાં મૃત્યુ પામનાર વિદ્યાર્થી કેરળનો રહેવાસી હતો. તેની ઓળખ નેવિન ડાલ્વિન તરીકે થઈ છે, જે છેલ્લા આઠ મહિનાથી તૈયારી કરી રહ્યો હતો. આ સિવાય મૃત્યુ પામનાર વિદ્યાર્થીનીઓની ઓળખ વિજય કુમારની પુત્રી તાનિયા સોની (25) અને રાજેન્દ્ર યાદવની પુત્રી શ્રેયા યાદવ (25) તરીકે થઈ છે.
વિદ્યાર્થીનીઓના પરિવારજનો આરએમએલ હોસ્પિટલ પહોંચ્યા
મળતી માહિતી મુજબ, શ્રેયાએ જૂન-જુલાઈમાં જ કોચિંગ સેન્ટરમાં એડમિશન લીધું હતું. તે યુપીના આંબેડકરનગર જિલ્લાના બરસાવાન હાશિમપુરની રહેવાસી હતી. શ્રેયા યાદવના કાકા ધર્મેન્દ્ર યાદવ રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં હાજર છે. તાનિયા સોનીના માતા-પિતા પણ દિલ્હી પહોંચી ગયા છે, પરંતુ જ્યારે તેમને મૃતદેહ જોવા ન દેવાયા તો તેઓ તરત જ પોલીસ સ્ટેશન ગયા. તમને જણાવી દઈએ કે તાનિયા સોનીના માતા-પિતા તેલંગાણાથી આવ્યા છે.
પાણી અચાનક ભોંયરામાં પ્રવેશ્યું
ડીસીપી હર્ષ વર્ધને કહ્યું કે, ભોંયરામાંથી ત્રણ મૃતદેહ મળી આવ્યા છે, તેમની ઓળખ કરી લેવામાં આવી છે. પોલીસે રાજેન્દ્ર નગર પોલીસ સ્ટેશનમાં સંબંધિત કલમો હેઠળ આ કેસ નોંધ્યો છે. પોલીસે આ કેસમાં કોચિંગ સેન્ટર બિલ્ડિંગ સિસ્ટમના મેનેજમેન્ટ અને ડ્રેનેજ સિસ્ટમ સાથે જોડાયેલા બે લોકોની અટકાયત કરી છે. આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
ખરેખર, તપાસમાં સામે આવ્યું છે કે ભોંયરામાં એક પુસ્તકાલય હતું. પુસ્તકાલયમાં સામાન્ય રીતે 30 થી 35 બાળકો હતા. અચાનક ભોંયરામાં ઝડપથી પાણી ભરાવા લાગ્યું. વિદ્યાર્થીઓ ભોંયરામાં બેન્ચ પર ઉભા હતા. પાણીના દબાણને કારણે ભોંયરામાં લાગેલા કાચ ફૂટવા લાગ્યો હતા.