Weather Update: હાલમાં દેશમાં ચોમાસું જામ્યું છે. ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશથી લઈને હિમાચલ સુધી ભારે વરસાદ વરસી રહ્યો છે. દિલ્હી-એનસીઆરમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હી-એનસીઆરમાં દિવસભર વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે અને હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદને પગલે દેશના અનેક રાજ્યોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  ગુજરાત, રાજસ્થાન, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ, કર્ણાટક અને છત્તીસગઢમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે આગામી 5 દિવસ દરમિયાન પશ્ચિમ અને મધ્ય ભારતના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.


મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી


મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં ભારે વરસાદને કારણે જિલ્લામાં પૂરની સ્થિતિ છે. પશ્ચિમ મધ્યપ્રદેશમાં પણ ગઈ કાલે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડ્યો હતો. 28 થી 31 જુલાઈ સુધી પશ્ચિમ મધ્ય પ્રદેશ અને વિદર્ભમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.


28મીએ પૂર્વ મધ્યપ્રદેશમાં અને 28મીથી 31મીએ છત્તીસગઢ, કોંકણ અને ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે. આજથી આગામી ચાર દિવસ મરાઠવાડામાં 29મીથી 31મી સુધી અને ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની સંભાવના છે.


હિમાચલ પ્રદેશ, હરિયાણા-ચંદીગઢ, પંજાબમાં 31 જુલાઈ સુધી ભારે વરસાદનું એલર્ટ છે, જ્યારે ઉત્તરાખંડ અને પશ્ચિમ રાજસ્થાનમાં આજે અને આવતીકાલે ભારે વરસાદનું એલર્ટ છે.


રવિવારથી લખનઉ સહિત 42 જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. તેમાં કન્નૌજ, કાનપુર દેહત, કાનપુર નગર, મથુરા, આગ્રા, ફિરોઝાબાદ, મૈનપુરી, ઈટાવા, ઔરૈયા, રામપુર, બરેલી સહિત યુપીના ઘણા શહેરો સામેલ છે. નાગાલેન્ડ, મિઝોરમ અને ત્રિપુરામાં પણ ભારે વરસાદની સંભાવના છે.  


ગુજરાતમાં ભારે વરસાદની આગાહી 


રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે.  સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં આજે ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. મધ્ય ગુજરાતના વડોદરા અને છોટા ઉદેપુરના છુટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરતા રેડ એલર્ટ જાહેર કર્યું છે. રેડ એલર્ટ એ વિસ્તાર માટે જાહેર કરવામાં આવતુ હોય છે જ્યાં સાડા ચાર ઈંચથી વધુ વરસાદ વરસવાની શક્યતા હોય છે.


મધ્ય ગુજરાતના આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના અમરેલી, બોટાદ અને ભાવનગરમાં પણ આજે ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઓરેન્જ એલર્ટ એ વિસ્તારો માટે જાહેર કરવામાં આવતુ હોય છે જ્યાં સાડા ચારથી આઠ ઈંચ સુધીનો વરસાદ વરસી શકે છે.