Omicron Varinat: કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના વધતા કહેરથી સમગ્ર વિશ્વમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ઓમિક્રોનને ફેલાતો અટકાવવા અનેક દેશોએ પ્રતિબંધ પણ લગાવવાનું શરૂ કર્યુ છે. ઓમિક્રોનના ખતરા વચ્ચે માસ્કને લઈ પણ સવાલ ઉઠી રહ્યા છે. ઓમિક્રોને રંગબેરંગી અને ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવા કપડાના માસ્ક સુરક્ષિત છે કે નહીં તે અંગે વિચારવા મજબૂર કર્યા છે.


શું કહે છે એક્સપર્ટ


બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ, ઓકસફોર્ડ યુનિવર્સિટીમાં પ્રાઇમરી હેલ્થ કેર સર્વિસના પ્રોફેસર ટ્રિશ ગ્રીનહલ્ધે કહ્યું, કપડાના માસ્ક ખરેખર સારા કે પછી ભયાનક સાબિત થઈ શકે તેનો આધાર કયા ફેબ્રિકમાંથી બનેલા છે તેના પર રહે છે. તેમના કહેવા મુજબ અનેક મટિરિયલના મિશ્રણથી બનેલા ડબલ કે ત્રિપલ લેયર માસ્ક વધારે પ્રભાવશાળી સાબિત થઈ શકે છે. પરંતુ કપડાના માસ્ક માત્ર ફેશન એક્સેસરીઝ છે.


પ્રોફેસરે કહ્યું કે કાપડના માસ્કની સૌથી મોટી સમસ્યા એ છે કે તે કોઈપણ પ્રકારના સ્વાસ્થ્યના ધોરણોને પૂર્ણ કરતા નથી. તેનાથી વિપરીત, ઉદાહરણ તરીકે, N95 રેસ્પિરેટર માસ્કના ઉત્પાદકોએ ખાતરી કરવી પડશે કે તેઓ 95% કણોને ફિલ્ટર કરે છે. ગયા અઠવાડિયે CTV ન્યૂઝ સાથેની એક મુલાકાતમાં, ઑન્ટારિયો સાયન્સ એડવાઇઝરી ટેબલના વડા પીટર જુનીએ જણાવ્યું હતું કે, "અહીં મુદ્દો એ છે કે જો સિંગલ-લેયર માસ્ક હોય, તો તેની ફિલ્ટરિંગ ક્ષમતા એકદમ ન્યૂનતમ હશે."


આ મહિનાની શરૂઆતમાં યુકેએ જાહેર પરિવહન, દુકાનો અને કેટલીક ઇન્ડોર સ્થળોએ માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું હતું. મહામારી દરમિયાન, વિવિધ સ્થળોએ અધિકારીઓએ માસ્ક પહેરવા અને માસ્કની પસંદગી વિશે જુદી જુદી બાબતો કહી છે.


ભારતમાં ઓમિક્રોનના વધતા કેસ વચ્ચે એઇમ્સના ડાયરેકટરે શું કહ્યું ?


ભારતમાં ઓમિક્રોનના વધતા કેસો વચ્ચે એઇમ્સના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ જણાવ્યું છે કે કોરોના પ્રત્યે લોકોની બેદરકારી જોખમી છે. જો કે તેમણે જણાવ્યું હતું કે અત્યાર સુધીના આંકડા સૂચવે છે કે વેક્સિન કોરોના સામે અસરકારક છે.  જે લોકોએ એક પણ ડોઝ લીધો નથી તેમણે પ્રથમ ડોઝ તાત્કાલિક લઇ લેવો જોઇએ. જેમણે પ્રથમ ડોઝ લઇ લીધો છે તેમણે બીજો ડોઝ સમયસર લઇ લેવો જોઇએ. ઓમિક્રોન પણ ઝડપથી ફેલાઇ રહ્યું હોવાથી કોવિડના નિયમોનું કડકપણે પાલન કરવું પડશે. લોકોએ માસ્ક પહેરવું પડશે, ફિઝિકલ ડિસ્ટન્સ જાળવવું પડશે અને ભીડવાળી જગ્યાથી દૂર રહેવું પડશે. ઓમિક્રોન વેરિએન્ટ ડેલ્ટા વેરિઅન્ટ કરતા ત્રણ ગણી વધારે ઝડપથી ફેલાઇ રહ્યું છે. કેન્દ્ર સરકારે રાજ્યોને નાઇટ કરફ્યુ, ભીડવાળા કાર્યક્રમો પર પ્રતિબંધ, લગ્નમાં મહેમાની સંખ્યામાં ઘટાડો કરવાના ટેસ્ટિંગ વધારવાના નિર્દેશ આપ્યા છે.