West Bengal News: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તાજેતરમાં જ CAA કાયદાને લાગુ કરવાને લઈને આકરૂ નિવેદન આપ્યા બાદ પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા શુભેંદુ અધિકારીએ રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનરજીને ખુલ્લો પડકાર ફેંક્યો છે.
ભાજપના નેતા શુભેંદુ અધિકારીએ રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનરજીને ખુલ્લો પડકાર ફેંકત કહ્યું હતું કે, સીએએ અધિનિયમ એ નથી કહેતો કે કાનુની દસ્તાવેજો ધરાવતા કોઈ પણ નાગરિકની નાગરિકતા છીનવી લેવામાં આવશે.
શુભેંદુ અધિકારીએ ઉત્તર 24 પરગણા જિલ્લાના ઠાકુરનગરમાં એક બેઠક દરમિયાન અધિકારીએ કહ્યું, CAA કાયદો એવું નથી કહેતો કે કાનૂની દસ્તાવેજો ધરાવતા નિવાસીની નાગરિકતા છીનવી લેવામાં આવશે. મુખ્યમંત્રી તરફ ઈશારો કરતા નંદીગ્રામના ધારાસભ્ય શુભેન્દુ અધિકારીએ કહ્યું હતું કે, અમે અનેકવાર CAAને લઈને જાહેરમાં ચર્ચા કરી છે. રાજ્યમાં પણ CAA લાગુ કરવામાં આવશે. જો તમારામાં હિંમત હોય તો તેને અમલમાં મૂકતા અમને રોકી બતાવો.
કલમ-370ની જેમ CAAનું વચન પણ પૂરું થશે : અધિકારી
શુભેન્દુએ પોતાની વાત પર ભાર મુકતા કહ્યું હતું કે, 2019ની લોકસભા ચૂંટણી જીત્યા બાદ મોદી સરકારે વચન આપ્યું હતું કે, તે કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરશે. આ વચનને પૂરૂ કરવામાં આવ્યું છે. તેવી જ રીતે ભાજપ CAA લાગુ કરવાનું વચન પણ પૂરું કરી બતાવશે. સાથે જ તેમણે કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર કોઈના અધિકાર છીનવવામાં માનતી નથી અને જે લોકો આવી વાતો કરે છે તેઓ જ વાતાવરણ ડહોળવા માંગે છે.
CAA પર અમિત શાહએ કહ્યું હતું કે...
આ અગાઉ દેશના ગૃહમંત્રી અમિત શાહે એક ખાસ વાતચીત દરમિયાન સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, જે લોકો એમ વિચારી રહ્યા છે કે, તેઓ CAA ના અમલીકરણનું સપનું જોઈ રહ્યા છે તેઓ મોટી ભૂલ કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, CAA કાયદાને લાગુ કરવામાં વિલંબ થઈ રહ્યો છે કારણ કે તેના વિશે હજુ નિયમો બનાવવાના બાકી છે. તેના પર હજી કામ કરવું પડશે. આ અગાઉ પણ અમિત શાહ પોતાના ઘણા ભાષણોમાં CAAના અમલનો ઉલ્લેખ કરી ચૂક્યા છે. ખાસ કરીને ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવવા જઈ રહી છે ત્યારે CAA અને યુનિફોર્મ સિવિલ કોડનો અનેકવાર ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે.