West Bengal : પશ્ચિમ બંગાળ વિધાનસભામાં આજે બીરભૂમ હિંસા મામલે મુખ્યમંત્રી મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC) અને BJPના ધારાસભ્યો સામ સામે આવી ગયા હતા અને બંને પક્ષના ધારાસબ્યોએ ઢીંકા-પાટુંનો માર માર્યો હતો. જે બાદ ભાજપના પાંચ ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સસ્પેન્ડ કરાયેલા ધારાસભ્યોમાં વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારીનો પણ સમાવેશ થાય છે. હંગામા પછી, શુભેન્દુ અધિકારીએ સિવિલ ડ્રેસ પહેરેલા પોલીસકર્મીઓ અને TMC ધારાસભ્યો પર તેમની હત્યા કરવાનો આરોપ લગાવ્યો છે.
ગૃહની અંદર પણ ધારાસભ્યો સુરક્ષિત નથી : શુભેન્દુ અધિકારી
વિધાનસભામાં વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારીની આગેવાની હેઠળ લગભગ 25 ભાજપના ધારાસભ્યોએ વિધાનસભામાંથી વોકઆઉટ કર્યો અને દાવો કર્યો કે તેમની પાર્ટીના ઘણા ધારાસભ્યોને ગૃહની અંદર તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્યોએ માર માર્યો હતો. ધારાસભ્યો ગૃહની અંદર પણ સુરક્ષિત નથી. તૃણમૂલના ધારાસભ્યોએ મનોજ તિગ્ગા સહિત અમારા ઓછામાં ઓછા 8-10 ધારાસભ્યોને માર માર્યો, કારણ કે અમે કાયદો અને વ્યવસ્થાના મુદ્દા પર મુખ્યમંત્રી મમતા બેનર્જીના નિવેદનની માંગ કરી રહ્યા હતા.
દરમિયાન, તૃણમૂલ કોંગ્રેસના નેતા અને રાજ્ય મંત્રી ફિરહાદ હકીમે કહ્યું કે ભાજપ વિધાનસભામાં અરાજકતા સર્જવા માટે નાટક કરી રહી છે. અમારા કેટલાક ધારાસભ્યો ગૃહમાં ઘાયલ થયા છે. અમે ભાજપના આ કૃત્યની નિંદા કરીએ છીએ.
ભાજપના પાંચ ધારાસભ્યો સસ્પેન્ડ
આ સમગ્ર ઘટના બાદ પશ્ચિમ બંગાળ વિધાનસભાના સ્પીકરે કાર્યવાહી કરી અને આગામી આદેશ સુધી પાંચ ધારાસભ્યોને સસ્પેન્ડ કરી દીધા. જે નેતાઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમાં શુભેંદુ અધિકારી, મનોજ તિગ્ગા, નરહરિ મહતો, શંકર ઘોષ, દીપક બર્મનના નામ સામેલ છે.આના પગલે, વિધાનસભામાં વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારીની આગેવાની હેઠળ લગભગ 25 ભાજપના ધારાસભ્યોએ વિધાનસભામાંથી વોકઆઉટ કર્યું અને દાવો કર્યો કે તેમની પાર્ટીના ઘણા ધારાસભ્યો પર તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા ગૃહની અંદર હુમલો કરવામાં આવ્યો હતો.