નવી દિલ્લીઃ ભારતના 73મા પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ કેન્દ્ર સરકારે પદ્મ એવોર્ડની જાહેરાત કરી હતી. કેન્દ્ર સરકાર દ્વારા મંગળવારે સાંજે જાહેર કરાયેલા પદ્મ એવોર્ડ્સમાં જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી તથા કોંગ્રેસના ટોચના નેતા ગુલામ નબી આઝાદને જાહેર જીવનમાં અપાયેલા યોગદાન બદલ પદ્મભૂષણ એવોર્ડ આપવાની જાહેરાત કરી છે.


ગુલામ નબી આઝાદને પદ્મભૂષણ એવોર્ડ અપાયો એ બદલ કોંગ્રેસના ટોચના નેતા કપિલ સિબ્બલે આઝાદને ‘ભાઈજાન’ તરીકે સંબોધીને અભિનંદન આપ્યા હતા. સિબ્બલે કોંગ્રસની ટોચની નેતાગીરી એટલે કે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી પર કટાક્ષ પણ કર્યો કે, કોંગ્રેસને આઝાદની સેવાઓની જરૂર નથી લાગતી ત્યારે દેશ જાહેર જીવનમાં તેમના યોગદાનની કદર કરી રહ્યો છે.


કપિલ સિબ્બલે લખ્યું છે કે,


Ghulam Nabi Azad conferred Padam Bhushan,


Congratulations bhaijan,


Ironic that the Congress doesn’t need his services when the nation recognises his contributions to public life.


કેન્દ્ર સરકાર દ્વારા મંગળવારે સાંજે જાહેર કરાયેલા પદ્મ એવોર્ડ્સમાં ઉત્તરાખંડના જનરલ બિપિન રાવત (સિવિલ સર્વિસ), ઉત્તર પ્રદેશના ભાજપના નેતા અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહ (જાહેર જીવન) તથા ધાર્મિક પુસ્તકોનું પ્રકાશન કરતી ગીતા પ્રેસ ગોરખપુરના અધ્યક્ષ રાધેશ્યામ ખેમકા (સાહિત્ય અને શિક્ષણ)ને મરણોત્તર પદ્મ વિભૂષણ એવોર્ડ આપવાની જાહેરાત કરાઈ છે. મહારાષ્ટ્રના પ્રભા અત્રેને કળાના ક્ષેત્રમાં પદ્મ વિભૂષણ એવોર્ડ અપાશે.


આ ઉપરાંત કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરના કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદ (જાહેર જીવન), પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ડાબેરી નેતા બુદ્ધદેવ ભટ્ટાચાર્ય (જાહેર સેવા), માઈક્રોસોફ્ટના સીઈઓ સત્યા નડેલા, આલ્ફાબેટ (ગૂગલ)ના સીઈઓ સુંદર પિચાઈ, કોરોના રસીના ઉત્પાદકો સિરમ ઈન્સ્ટિટયૂટના એમડી સાયરસ પૂનાવાલા, ભારત બાયોટેકના ચેરમેન ક્રિષ્ના ઈલા અને તેમનાં પત્ની સુચિત્રા ઈલા સહિત 17 લોકોને પદ્મ ભૂષણ એવોર્ડથી સન્માનિત કર્યા છે. બોલિવૂડ ગાયક સોનુ નિગમ સહિત 107  લોકોની પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી કરાઈ છે. સરકારે પૂર્વોત્તરના રાજ્યોમાંથી છ લોકોની પદ્મ એવોર્ડ માટે પસંદગી કરી છે.