શિરડી: કોરોના વાયરસનો કહેર હવે ભારતમાં ભક્તોને પણ ડરાવવા લાગ્યો છે. મુંબઈનાં જાણીતા સિદ્ધિવિનાયક મંદિરને પણ આગામી નોટિસ સુધી બંધ કરી દેવામાં આવ્યું છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, સોમવાર સાંજે 7 વાગ્યાથી જ સિદ્ધિવિનાયક મંદિરને બંધ કરવામાં આવી રહ્યું છે. મંદિર ક્યારે ખુલશે તે વિશે સૂચના બાદમાં આપવામાં આવશે.

મુંબઈનું આ મંદિર ભીડભાડવાળા વિસ્તારમાં આવે છે. આવામાં કોરોના વાયરસનાં ખતરાને જોતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે તેવું જાણવા મળી રહ્યું છે. મહારાષ્ટ્રમાં કોરોનાનાં કુલ 38 કેસ સામે આવવાથી સમગ્ર રાજ્યમાં હાહાકારી મચી ગયો છે. તમામ સ્કૂલો અને કોલેજોમાં રજાઓ જાહેર કરી દેવાઈ છે. હવે રાજ્ય સરકાર પ્રયત્ન કરી રહી છે કે, યૂનિવર્સિટીની પરિક્ષાઓ પણ ટાળી દેવામાં આવે. આ ઉપરાંત પંચાયત અને નિકાય ચૂંટણીને પણ ત્રણ મહિના માટે ટાળી દેવામાં આવી છે.

મહારાષ્ટ્રમાં સૌથી વધારે કોરોનાનાં કેસ પુણેમાં છે. ધીરેધીરે મુંબઈમાં પણ કોરોના પોઝિટિવવાળા લોકોની સંખ્યા વધતી જોવા મળી રહી છે જેનાથી સરકાર અને પ્રશાસન ચિંતિત છે. મુંબઈ પોલીસે પહેલા પણ કલમ 144 લાગુ કરતા ગ્રુપ ટૂર પર પ્રતિબંધ લગાવી દીધો છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ પણ શૂટિંગ બંધ કરવાનો નિર્ણય લીધો છે.

મહારાષ્ટ્રમાં અત્યાર સુધી પુણેમાં 16, મુંબઈમાં 8, નાગપુરમાં 4, રાયગઢ, નવી મુંબઈ અને યવતમાલમાં 3, કલ્યાણ, ઔરંગાબાદ, અહમદનદગર, થાણેમાં 1-1 દર્દી મળી આવ્યો છે.