નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં ઈમરાન ખાનના શપથગ્રહણ સમારોહમાં સામેલ થવા માટે પંજાબ સરકારના મંત્રી અને ભારતના પૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુએ વિઝા માટે અરજી કરી છે. સિદ્ધુને શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થવા મંજૂરી આપવી કે નહીં તેનો ફેંસલો ભારત સરકારે લેવાનો છે.
આ અંગે સિદ્ધુએ સોમવારે દિલ્હી સ્થિત પાકિસ્તાન હાઇ કમિશનમાં આવીને યાત્રા સંબંધિત જરૂરી ઔપચારિકતા પૂરી કરી હતી. તેમણે કહ્યું, મેં સરકારની મંજૂરી માટે અરજી કરી છે. હવે બધુ ભારત સરકારની મંજૂરી પર નિર્ભર છે.
ગૃહ મંત્રાલય અને વિદેશ મંત્રાલયે પણ સ્વીકાર્યું છે કે તેમને સિદ્ધુ તરફથી કરવામાં આવેલી વિઝાની અરજી મળી છે. તેના પર વિચારણા કરવામાં આવી રહી છે. પાકિસ્તાનમાં ક્રિકેટમાંથી નેતા બનેલા ઇમારન ખાન 18 ઓગસ્ટના રોજ વડાપ્રધાન પદના શપથ લઈ રહ્યા છે.
આ ખાસ દિવસ માટે તેમણે સુનીલ ગાવસ્કર, કપિલ દેવ, નવજોત સિદ્ધુને આમંત્રણ આપ્યું છે. ગાવસ્કરે ઇંગ્લેન્ડ પ્રવાસમાં કોમેન્ટેટર તરીકે વ્યસ્તતાને લઈ પાકિસ્તાન નહીં જવાનું નક્કી કર્યું છે અને આ અંગે તેમણે ઇમરાન ખાનને જાણ પણ કરી દીધી છે.