Sidhu Moose Wala Murder Big Update: દિલ્હી પોલીસે બુધવારે દાવો કર્યો હતો કે, લોરેન્સ બિશ્નોઈ જ સિદ્ધુ મૂસેવાલા હત્યા કેસનો માસ્ટરમાઇન્ડ છે. ત્યારે હવે ગુપ્તચર એજન્સીઓને એવી માહિતી મળી છે કે, લોરેન્સ બિશ્નોઈનો ભાઈ અનમોલ બિશ્નોઈ દેશ છોડીને ભાગી ગયો છે, જ્યારે બિશ્નોઈનો ભત્રીજો સચિન ફરાર છે. ગુપ્તચર એજન્સીઓના જણાવ્યા અનુસાર, સિદ્ધુ મૂસેવાલાની હત્યાની જવાબદારી લેનાર સચિન બિશ્નોઈ પણ ટૂંક સમયમાં દેશ છોડી દે તેવી શક્યતા છે.
ગુપ્તચર એજન્સીના સૂત્રોના જણાવ્યા અનુસાર અનમોલ દેશ છોડી ચૂક્યો છે. પોલીસ સૂત્રોનું કહેવું છે કે આ બંને શખ્સ પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યાના મુખ્ય સંયોજક (કોર્ડિનેટર) હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે, લોજિસ્ટિક્સથી લઈને સમગ્ર ષડયંત્રની તૈયારી સચિન અને અનમોલ દ્વારા કરવામાં આવી હતી. આ સાથે હત્યાને અંજામ આપવા માટે રેકી પણ કરવામાં આવી હતી. લોરેન્સ જાણતો હતો કે શું થવાનું છે, પણ માત્ર સચિન અને અનમોલ જ જાણતા હતા કે આ પ્લાનિંગને કઈ રીતે અંજામ આપવાનો છે.
આ રીતે નામ સામે આવ્યુંઃ
પ્લાન મુજબ બધું થઈ ગયા બાદ અનમોલે દેશ છોડી દીધો હતો, જ્યારે સચિન પણ દેશ છોડીને ભાગી ગયો હોવાની આશંકા છે. સૂત્રોએ જણાવ્યું છે કે, આ ઘટનાની જવાબદારી સચિને પોતે લીધી છે, જ્યારે પંજાબ પોલીસની ધરપકડ કરાયેલા શકમંદોની પૂછપરછમાં અનમોલનું નામ સામે આવ્યું છે. સૂત્રોએ એમ પણ જણાવ્યું છે કે, અત્યાર સુધીમાં 5 શૂટરોની ઓળખ કરવામાં આવી છે, જ્યારે પોલીસે જેની ધરપકડ કરી છે તે શૂટર નથી. જોકે તે કોઈને કોઈ ભૂમિકામાં આ કાવતરામાં જોડાયેલા હતા. પોલીસે કહ્યું છે કે, અત્યાર સુધીમાં ત્રણ શૂટરોની ઓળખ થઈ છે, જેમાંથી બે આ ઘટનામાં સંડોવાયેલા હોવાની આશંકા છે.
મહાકાલે આ વાતનો ખુલાસો કર્યોઃ
આ કેસમાં મુંબઈ અને દિલ્હી પોલીસે સંયુક્ત ઓપરેશનમાં મહારાષ્ટ્રના રહેવાસી સૌરભ મહાકાલની ધરપકડ કરી હતી. મહાકાલે પૂછપરછ દરમિયાન પોલીસ અધિકારીઓને જણાવ્યું છે કે, મહારાષ્ટ્રના પુણેમાં રહેતો સંતોષ ઉર્ફે સોનુ ફાયરિંગમાં સંડોવાયેલો હતો, જ્યારે સોનીપતના રહેવાસી પ્રિયવ્રત અને મનજીત પણ શૂટિંગ દરમિયાન ત્યાં હાજર હતા અને ફાયરિંગ કર્યું હતું. ઘટનાની નજીક લાગેલા સીસીટીવીમાં બંનેના ફૂટેજ જોવા મળ્યા હતા, જેમાં તેઓ એ જ બોલેરોમાં સવાર હતા જ્યાંથી મૂસેવાલાએ પીછો કર્યો હતો.