નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધો હાલમાં તણાવપૂર્ણ છે. જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવી ત્યારથી જ પાકિસ્તાન સરહદી વિસ્તારોમાં સતત સીઝફાયરનો ભંગ કરી રહ્યું છે. હવે સૈન્યના વડા જનરલ બિપિન રાવતે કહ્યું કે, લાઇન ઓફ કંન્ટ્રોલ પર ગમે ત્યારે તણાવ પેદા થઇ શકે છે, દેશને એના માટે તૈયાર રહેવું જોઇએ.


ભારતીય સૈન્યના વડા બિપિન રાવતનું નિવેદન એવા સમયમાં આવ્યું છે જ્યારે જમ્મુ અને કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ બનાવી દીધો છે અને જેના બદલામાં પાકિસ્તાન વૈશ્વિક મંચો  પર કાશ્મીરનો મુદ્દો ઉઠાવી રહ્યું છે.

નોંધનીય છે કે કેન્દ્રિય રાજ્યમંત્રી કિશન રેડ્ડીએ લોકસભામાં કહ્યું હતું કે, સરહદ પર ઓગસ્ટથી ઓક્ટોબર વચ્ચે 950થી વધુ સીઝફાયરની ઘટનાઓ બની છે. આ અગાઉ પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાને ટ્વિટ કરી લોકસભામાં પાસ થયેલા નાગરિકતા સંશોધન બિલનો વિરોધ કર્યો હતો. પાકિસ્તાન અગાઉથી જ કલમ 370ને હટાવવાનો વિરોધ કરી રહ્યું છે.