મુંબઈઃ દેશમાં કોરોના વાયરસના કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉનથી પ્રવાસી મજૂરોની સમસ્યા સૌથી મોટો મુદ્દો બનીને સામે આવી છે. દેશના અલગ અલગ રાજ્યોમાંથી પ્રવાસી મજૂરો પગપાળા સેંકડો કિલોમીટર ચાલીને, સાઈકલ કે ટ્રકમાં બેસીને જતાં હોવાની અનેક તસવીરો સામે આવી છે. આ દરમિયાન બોલીવુડ એક્ટર સોનુ સૂદે ઘણા પ્રવાસીઓને તેમના ઘરે મોકલવાનું બીડું ઉઠાવ્યું છે. સોનુ સૂદના આ પગલાંની કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પણ પ્રશંસા કરી છે.

સોનુ સૂદ મુંબઈ સહિત મહારાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં ફસાયેલા પ્રવાસીઓને ઉત્તરપ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ સહિત અનેક રાજ્યોમાં મોકલવાની વ્યવસ્થા કરી રહ્યો છે. ટ્વિટરના માધ્યમથી પ્રવાસી તેનો સંપર્ક કરી રહ્યા છે અને સોનુ તેમને સુરક્ષિત રીતે ઘરે પહોંચાડવાનો ભરોસો આપી રહ્યો છે.

સોનુના એક ટ્વીટને સ્મૃતિ ઈરાને રીટ્વીટ કરીને કહ્યું, "સોનુ આ મારું સૌભાગ્ય છે કે એક પ્રોફેશનલ સાથી તરીકે બે દાયકાથી તને ઓળખું છું અને એક એકટર તરીકે તમારી પ્રગતિ પર મને ખુશી છે. પરંતુ આ પડકારભર્યા માહોલમાં તમે જે રીતે દયાળુતા બતાવી છે તેને જોઈ મને તમારા પર વધારે ગર્વ થાય છે. જરૂરિયાતમંદોની મદદ માટે તમારો આભાર."


સ્મૃતિ ઈરાનીના પ્રશંસા કરતા ટ્વીટનો જવાબ આપતાં સોનુએ લખ્યું, "આભાર મારી દોસ્ત, તમે હંમેશાથી પ્રેરણા રહ્યા છો. તમારા પ્રોત્સાહિત કરનારા શબ્દોએ મને હજુ વધારે મહેનત કરવા પ્રેરિત કર્યો છે. હું તમને વચન આપું છું કે જ્યાં સુધી આપણા દરેક ભાઈ-બહેન તેમના ઘર સુધી નહીં પહોંચી જાય ત્યાં સુધી તેમની સાથે રહીશ. તમને સલામ."